કેરી સાથે કોરોના ઘરે આવે? ડૉક્ટરો કહે છે...

03 March, 2021 07:13 AM IST  |  Mumbai | Rohit Parikh

કેરી સાથે કોરોના ઘરે આવે? ડૉક્ટરો કહે છે...

કેરી માટે વાઇરલ થયેલો મેસેજ

કેરીની સીઝન હજી તો શરૂ થઈ છે ત્યારે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક અનામી મેસેજ વાઇરલ થયો છે, ‘કેરી સાથે તમે કોરોના ઘરે લાવી શકો છો.’ આ મેસેજને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે ડૉક્ટરો કહે છે કે ‘થિયરેટિકલી એ વાતમાં તથ્ય છે, પણ આજ સુધી આવું સાયન્ટિફિક રિસર્ચ પ્રૂવ થયું નથી એટલે લોકોએ પૅનિક થવાની જરૂર નથી. જોકે કેરી ખરીદ્યા પછી ખાતાં પહેલાં એને ધોઈ લેવી જોઈએ.’

મેસેજ શું વાઇરલ થયો છે?

સોશ્યલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ થયેલા એક અનામી મેસેજમાં જણાવાયું છે કે ‘મિત્રો, કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં હવે કેરી મળવા માંડશે. આપણી સૌની કેરી ખરીદતાં પહેલાં એક સામાન્ય આદત છે કે આપણે કેરીને સૂંઘીને ખરીદીએ છીએ, પરંતુ આ વર્ષે તમે આવું ન કરતા. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાઇરસ નાક દ્વારા જ શરીરમાં પ્રવેશે છે. તમારી માફક તમારા પહેલાં આવનાર વ્યક્તિએ પણ એ કેરી સૂંઘી હશે અને એ દરમ્યાન તેના શ્વાસ પણ કેરીને સ્પર્શ્યા હશે અને એ વ્યક્તિ જો કોરાના-સંક્રમિત હશે તો? તમે મફતમાં જ કેરીની સાથે કોરોના પણ પોતાના ઘરે લઈ જશો. માટે આ બાબતનું ધ્યાન રાખજો. સુરક્ષિત રહો, સાવચેત રહો અને કોરોનાથી દૂર રહો. આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચતો કરો, જેથી બધા સાવચેત થઈ શકે.’

ડૉક્ટરો શું કહે છે?

આ બાબતમાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડન્ટ અવિનાશ ભોંડવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વાતમાં દમ છે. થિયરેટિકલી આ શક્ય છે. કેરી ખેતરમાંથી ટ્રાન્સપોર્ટ થઈને માર્કેટમાં આવે છે. માર્કેટમાં પણ એનું લોડિંગ-અનલોડિંગ થાય છે. આજે અનેક લોકો એવા છે જેમનું કોરોના ડિટેક્ટ થયું નથી. ખેતરમાંથી જ્યારે કેરી વીણીને બૉક્સમાં ભરવામાં આવે છે ત્યારે બની શકે છે કે જે માણસો કામ કરી રહ્યા છે તેઓ ખાંસતા હોય છે, જેથી તેમની ખાંસીના બૅક્ટેરિયા કેરી પર લાગે છે. એમાંથી કોઈક એવો માણસ પણ હોઈ શકે જેને કોરોના થયો હોય અને એનું નિદાન થયું ન હોય. તો તેની ખાંસીથી બૅક્ટેરિયા કેરી પર ગયા હોય છે જે ૨૪ કલાકમાં બીજી વ્યક્તિ એ કેરી સૂંઘે તો એનાથી તેને કોરોના થઈ શકે છે. આવી જ રીતે માર્કેટમાં, ફેરિયાઓ પાસે, રેંકડી પર, ડિલિવરી વખતે કોઈ પણ આસપાસની વ્યક્તિની ખાંસી ફળો પર જાય અને એ વ્યક્તિ કોરોના-પૉઝિટિવ હોય તો તે કોરોના ફેલાવી શકે છે. આથી જ દરેક ફળો-શાકભાજી ખરીદી વખતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આથી કોરોના વાઇરસની શરૂઆત થઈ એ દિવસથી જ અમે લોકોને સલાહ આપીએ છીએ કે માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો એને સૂંઘતાં પહેલાં એને સાબુના કે મીઠાના પાણીથી ધોઈને પછી જ સૂંઘો. ખરીદી વખતે જો ધોવામાં ન આવ્યાં હોય તો એ ફળો-શાકભાજીને ઘરે જઈને મીઠાના પાણીમાં ધોઈને એને ઉપયોગમાં લેવાં જોઈએ જેથી એ ફળો કે શાકભાજી સાથે ચોંટેલા કોરોનાના બૅક્ટેરિયાથી બચી શકાય. એમાં કોઈ શંકા નથી કે આ બાબતમાં હજી સુધી કોઈ સાયન્ટિફિક રિસર્ચ થયું નથી.’

આયુર્વેદિક ડૉક્ટર મુકુલ પટેલે આખી બાબતમાં શૉર્ટમાં જવાબ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ મેસેજમાં જણાવ્યા પ્રમાણે આ પ્રકારનું હજી સુધી કોઈ સાયન્ટિફિક રિસર્ચ થયું નથી. એવો કોઈ સર્વે થયો હોય કે એવી કોઈ વૈજ્ઞાનિકો દ્વારા જાહેરાત થઈ હોય એવું આજ સુધી સાંભળ્યું નથી.’

કોવિડના હજારો દરદીઓની એક વર્ષમાં સારવાર કરીને તેમને સાજા કરીને ઘરે મોકલી આપનાર કેઈએમના ડૉક્ટર જિજ્ઞેશ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વાઇરલ મેસેજમાં કોઈ તથ્ય નથી. આમાં પૅનિક થવાની જરૂર નથી. જોકે ખરીદી કર્યા પછી સાવધાની રૂપે દરેક પરિવારે તેમના ઘરમાં શાકભાજી કે ફળોને સારી રીતે ધોઈને ઉપયોગમાં લેવાં જોઈએ.’

નવી મુંબઈની માર્કેટમાં કેરી આવી ગઈ

નવી મુંબઈની એપીએમસીની હોલસેલ ફ્રૂટ માર્કેટમાં રોજની ૫૦૦૦ પેટી મહારાષ્ટ્રમાંથી અને ૫૦૦૦ પેટી આફૂસ કેરી અન્ય રાજ્યોમાંથી આવવા માંડી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ આફૂસ કેરી દેવગડ, રત્નાગિરિ અને ત્યાર પછીના નંરે રાયગડ જિલ્લામાંથી આવે છે. અત્યારે માર્કેટમાં ૪ ડઝનથી લઈને ૮ ડઝન સુધીનો આફૂસ કેરીની પેટીનો ભાવ ૨૦૦૦ રૂપિયાથી ૬૦૦૦ રૂપિયા ચાલે છે. ઘરાકી પણ શરૂ થઈ ગઈ છે.

mumbai mumbai news coronavirus covid19