મુંબઈની લોકલ ટ્રેનો સૌને માટે ક્યારે શરૂ થશે? બે દિવસ રાહ જુઓ

15 August, 2020 07:37 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈની લોકલ ટ્રેનો સૌને માટે ક્યારે શરૂ થશે? બે દિવસ રાહ જુઓ

લોકલ ટ્રેન

રાજ્ય સરકાર આજે ઇન્ડોર જિમ્નૅશ્યમ્સને પુનઃ ખોલવા માટે પરવાનગી આપી શકે છે અને સાથે જ એ ચાલુ સપ્તાહના અંત સુધીમાં તમામ પ્રવાસીઓ માટે સબર્બન ટ્રેન સર્વિસને કાર્યરત કરવાની ભલામણ કરવા બાબતે વિચારણા કરી રહી છે.

ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, રિલીફ ઍન્ડ રીહૅબિલિટેશન મિનિસ્ટર વિજય વડેટ્ટિવારે જણાવ્યું હતું કે તેમણે લૉકડાઉનની શરૂઆતથી બંધ થયેલાં ઇન્ડોર જિમને પુનઃ ખોલવા માટેની પરવાનગી આપતી દરખાસ્ત પર હસ્તાક્ષર કરી દીધા છે

અનલૉકની ક્રમિક પ્રક્રિયામાં કેન્દ્રએ જિમને પુનઃ ખોલવાની પરવાનગી આપી હતી, પરંતુ મહારાષ્ટ્ર સરકારને જિમ પુનઃ શરૂ કરવાનું યોગ્ય જણાયું નહોતું. જોકે જિમના માલિકો દ્વારા આ માટેની માગણી કરવામાં આવી હતી અને તેમને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે સહિતના વરિષ્ઠ નેતાઓનું સમર્થન સાંપડતાં રાજ્ય જિમ પરનાં નિયંત્રણો હટાવવા માટે રાજી થયું છે. જિમ્નૅશ્યમ્સને કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે અને રાજ્ય પણ જ્યારે અનલૉકના આદેશ જાહે કરે ત્યારે એ માર્ગદર્શિકાના નિયમોમાં ઉમેરો કરી શકે છે.

વડેટ્ટ‌િવારે જણાવ્યું હતું કે ‘મેં જિમ વિશેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે અને કાગળો હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે ગયા છે. મારું માનવું છે કે અમે સ્વાતંત્ર્ય દિન પર જિમને અનલૉક કરવા બાબતની જાહેરાત કરી શકીએ છીએ.’ મુંબઈની લાઇફલાઇન સમાન સબર્બન ટ્રેનો ચાલુ નહીં હોવાને કારણે ઘણા લોકોને પરેશાની થાય છે. એ બાબતે નાલાસોપારામાં સ્થાનિક લોકોએ પાટા પર બેસીને ધરણાં-આંદોલન પણ કર્યું હતું. લોકલ ટ્રેનો શરૂ કરવા વિશેના પ્રશ્નના ઉત્તરમાં પ્રધાને જણાવ્યું હતું કે ‘લોકલ ટ્રેનો રાબેતા મુજબ શરૂ કરવા બાબતે રેલવે પ્રધાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તથા અન્ય સંબંધિત પ્રધાનો સાથે ચર્ચા થઈ છે. બે દિવસોમાં ફરી બેઠક યોજાશે. એ બેઠકમાં હકારાત્મક નિર્ણયની શક્યતા છે.’

mumbai mumbai news mumbai local train mumbai trains dharmendra jore western railway mumbai railways central railway