મુંબઈમાં 1 ઑક્ટોબરથી ટોલ ટૅકસમાં 5થી 25 રૂપિયા વધારે ચૂકવવા પડશે

26 September, 2020 11:20 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં 1 ઑક્ટોબરથી ટોલ ટૅકસમાં 5થી 25 રૂપિયા વધારે ચૂકવવા પડશે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને લીધે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને રાહત આપવાને બદલે સરકારે ચિંતામાં વધારો થાય એવો નિર્ણય લીધો છે. લોકોએ મુંબઈના વાશી, મુલુંડ, એલબીએસ માર્ગ, ઐરોલી અને દહિસર ટોલ નાકા ઉપર ૧ ઑક્ટોબરથી ટોલ ટૅકસમાં પાંચથી પચીસ રૂપિયા વધારે ચૂકવવા પડશે.

મુંબઈની ઍન્ટ્રી-દરેક ઍન્ટ્રી પૉઈન્ટ પર કાર પર લેવાતો ટોલ ટૅક્સ ૩૫ રૂપિયાથી વધારીને ૪૦ કરાયો છે. બસ, મિનિ બસ અને ટ્રકના ટોલમાં પણ વધારો ઝીંકાયો છે. ૧ ઑક્ટોબરથી લાગુ થનારા નવા દર પ્રમાણે મિનિ બસધારકોએ અત્યારના ૪૫ રૂપિયા સામે ૬૫ રૂપિયા ટોલ ચૂકવવો પડશે. એવી જ રીતે બસ અને ટ્રકધારકોએ અત્યારના ૧૦૫ રૂપિયા સામે ૧૩૦ રૂપિયા ટોલ ભરવાનો રહેશે. ટોલના આ દર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી કાયમ રહેશે.

રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ ફ્લાયઓવર, બ્રિજ, સબવે તથા રોડ ડેવલપમેન્ટ અને મેઇન્ટેનન્સના ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે દર ત્રણ વર્ષે ટોલ ટૅક્સમાં વધારો કરવો પડે છે. માર્ચ મહિનાથી થરૂ થયેલી કોરોના મહામારી બાદ નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ દેશભરમાં ટોલ લેવાનું બંધ કર્યું હતું. જોકે એપ્રિલ મહિનામાં ફરી ટોલ લેવાની શરૂઆત કરાઈ હતી.

મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનો સામાન્ય લોકો માટે બંધ હોવાથી મોટા ભાગના મુંબઈગરાઓ કામકાજ માટે વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાને લીધે આર્થિક ભીંસ અનભુવી રહ્યા છે ત્યારે સરકારે ટોલ ટૅક્સમાં વધારો કરીને લોકોની ચિંતા વધારી દીધી હોવાની પ્રતિક્રિયા મળી રહી છે.

લૉકડાઉનમાં છૂટછાટ અપાયા બાદથી મુંબઈ, થાણે, નવી મુંબઈ તથા મીરા-ભાઈંદર અને વસઈ, વિરારમાં ધીમેધીમે કામ ચાલુ થઈ રહ્યાં છે, પરંતુ ગ્રાહકો ફરકતા ન હોવાથી મોટા ભાગના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સરકારે ત્રણ વર્ષે ટોલના દરમાં ફેરફાર કરવાના નિયમને અત્યારે લાગુ ન કરવો જોઈએ એવું લોકો કહી રહ્યા છે.

mumbai mumbai news vashi kalyan mulund airoli dahisar