મીરા રોડના યુવકનાં મૃત્યુ માટે કોણ જવાબદાર?

02 August, 2020 08:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા રોડના યુવકનાં મૃત્યુ માટે કોણ જવાબદાર?

શીતલનગરમાં આવેલી ગટરમાં પડી જવાથી મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ.

મીરા રોડમાં શીતલનગર વિસ્તારમાં શુક્રવારે રાત્રે ગટરમાં પડી જવાથી એક ૩૦ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. નવી ગટર બાંધવાનું કામ લૉકડાઉન પહેલાં ચાલી રહ્યું હતું, પરંતુ બાદમાં કૉન્ટ્રૅક્ટરે ગટરનું ઢાંકણું બેસાડ્યું ન હોવાથી યુવક રાતના અંધારામાં એમાં પડીને મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મીરા રોડમાં આવેલા શીતલનગરમાં શુક્રવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે ૩૦ વર્ષનો સેજલ ખાન નામનો એક યુવક ગટરમાં પડી ગયો હોવાનું ધ્યાનમાં આવતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. તેમણે સેજલને ગટરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદરના ભાગમાં સરકી ગયો હોવાથી તેના સુધી પહોંચી નહોતા શક્યા.

કોઈકે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતાં બન્ને વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ગટરની અંદરથી સેજલના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ સ્થળે લાઈટ ન હોવાથી તે ગટરમાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. યુવક ગટરની સામે આવેલી હોટેલમાં પાર્સલ લેવા ગયો હતો ત્યારે તે ગટરમાં પડી ગયો હતો.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ઘણા સમયથી ગટર ખુલ્લી હોવાથી એ જોખમી હતી. અહીંના નગરસેવકો તથા પાલિકાના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરાઈ હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન ન આપતાં યુવાને એમાં પડીને જીવ ગુમાવ્યો છે. કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને લીધે આ ઘટના બની હોવાથી પાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડને આની સામે કાર્યવાહી કરવાની માગણી લોકોએ કરી છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડે પત્રકારોને કહ્યું હતું કે કૉન્ટ્રૅક્ટર સામે ગટરમાં ઢાંકણું ન બેસાડવા બાબતે તપાસ કરીને સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

mumbai mumbai news mira road