મુંબઈ : કૅશ ભરેલી બૅગની ચોરીના કેસની તપાસમાં રિક્ષા-ચોર હાથ લાગ્યો

12 October, 2020 06:30 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : કૅશ ભરેલી બૅગની ચોરીના કેસની તપાસમાં રિક્ષા-ચોર હાથ લાગ્યો

ઑટોરિક્ષા

મલાડ-ઈસ્ટમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‌મિટ પિતાની સારવાર માટે લાવેલા ૮૦,૦૦૦ રૂપિયા અને મોબાઇલ સાથેની બૅગ ચોરી થવાની ઘટના ૪ ઑક્ટોબરે બની હતી. દિંડોશી પોલીસે સીસીટીવી કૅમેરાના ફુટેજ ચકાસીને આરોપીને અંધેરીમાંથી ઝડપ્યો હતો. તેની પૂછપરછમાં આરોપીએ બે ઑટોરિક્ષા ચોરી કરીને છુપાવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

મલાડ-ઈસ્ટમાં આવેલા દિંડોશી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ફરિયાદીના પિતાની ૪ ઑક્ટોબરે કોવિડની સારવાર ચાલી રહી હતી. આથી હૉસ્પિટલનું બિલ ભરવા માટે તે ૮૦,૦૦૦ રૂપિયા લઈને આવ્યો હતો, જે બૅગમાં રાખ્યા હતા. હૉસ્પિટલના વેઇટિંગ એરિયામાં તે રાત્રે સૂતો હતો ત્યારે રૂપિયા તથા મોબાઇલ રાખેલી બૅગ ચોરી થઈ ગઈ હતી.

હૉસ્પિટલમાંથી બૅગ ચોરી થવાની ફરિયાદ દિંડોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧૨ની ટીમે તપાસ શરૂ કરી હતી. યુનિટ-૧૨ના સબ-ઇન્સ્પેક્ટર અતુલ આવ્હાડ અને તેમની ટીમે ઘટનાસ્થળથી લઈને પંપ હાઉસ સુધીના રસ્તાના ૧૦૦ જેટલા સીસીટીવી કૅમેરા ચકાસ્યા હતા.

શંકાસ્પદ આરોપી ઑટોરિક્ષામાં ફરતો હોવાનું જણાયા બાદ અઠવાડિયા સુધી સીસીટીવી કૅમેરા પર નજર રાખીને તેમ જ બાતમીદારો પાસેથી માહિતી મેળવીને ૧૦ ઑક્ટોબરે અંધેરી-ઈસ્ટમાંથી ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં જણાયું હતું કે તેણે હૉસ્પિટલમાંથી બૅગ ચોરવાની સાથે ગોરેગામ અને મલાડમાંથી બે ઑટોરિક્ષાની પણ ચોરી કરી છે, જે તેણે છુપાવીને રાખી છે. માહિતી મળ્યા બાદ પોલીસે બન્ને ઑટો અને આરોપી પાસેથી ચોરીના પાંચ મોબાઇલ જપ્ત કર્યા હતા.

પોલીસની પૂછપરછમાં જણાયું હતું કે આરોપી સામે ૩૦ જેટલા ચોરીના ગંભીર ગુના નોંધાયેલા છે, જેમાંથી ૧૬માં તેણે જેલમાં સજા પણ કાપી છે. આથી તેની સામે મકોકા સહિતની આઇપીસીની કલમો લગાવીને દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને ધરપકડ કરાઈ હતી. આ ગુનામાં તેનો એક સાથી પણ છે, જે ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે. ચોરીનો આ કેસ ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ કમિશનર મિલિંદ ભારંબે, ઍડિશનલ કમિશનર વિરેશ પ્રભુ, ડીસીપી અકબર પઠાણના માર્ગદર્શનમાં યુનિટ-૧૨ના ઇન્ચાર્જ મહેશ તાવડે અને તેમની ટીમે ઉકેલ્યો હતો.

mumbai mumbai news malad Crime News mumbai crime news