પૅસેન્જર બેભાન થઈ ગયો તો BESTની બસને સીધા હૉસ્પિટલ લઈ ગયા ડ્રાઇવર-કન્ડક્ટર

09 September, 2026 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રીચ કૅન્ડીથી ભાયખલા જતી બસની ઘટના: નાયર હૉસ્પિટલમાં પહોંચ્યા છતાં મુસાફરનો જીવ ન બચ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની બસના ડ્રાઇવર અને કન્ડક્ટરે માનવતા અને ત્વરિત સૂઝબૂઝનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ગંભીર સ્થિતિમાં મુકાયેલા એક મુસાફરનો જીવ બચાવવા માટે બસનો રૂટ બદલીને એને સીધી હૉસ્પિટલ લીધી હતી. શનિવારે સાંજે સાડાસાત વાગ્યે બ્રીચ કૅન્ડીથી ભાયખલા જતી બસ (રૂટ A-77/33) જ્યારે વૉર્ડન રોડ પર તાતા ગાર્ડન નજીક પહોંચી ત્યારે બદલાપુરના ૪૬ વર્ષના રહેવાસી મૃત્યુંજય નાયકને અચાનક ફિટ આવી હતી અને તે બેભાન થઈ ગયો હતો. બસમાં સવાર અન્ય મુસાફરોએ તાત્કાલિક કન્ડક્ટર દાદાસાહેબ બારકાડેને જાણ કરી હતી.

BEST દ્વારા આપવામાં આવેલી વિશેષ ટ્રેઇનિંગ હેઠળ કન્ડક્ટરે તરત જ મુસાફરની સ્થિતિ તપાસી હતી અને કોઈ પ્રતિસાદ ન મળતાં ડ્રાઇવર પ્રશાંત સકપાળને અલર્ટ કર્યો હતો. મેડિકલ ઇમર્જન્સીની ગંભીરતા સમજીને અને અન્ય મુસાફરોના સહયોગથી ડ્રાઇવરે બસને તરત નાયર હૉસ્પિટલ તરફ લીધી હતી. પૅસેન્જરને હૉસ્પિટલમાં પહોંચાડવા છતાં રાત્રે ૮.૩૦ વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુંજય નાયક વ્યવસાયે ડ્રાઇવર હતો અને રેલવે-સ્ટેશન જઈ રહ્યો હતો. તેનાં સગાંસંબંધીઓએ જણાવ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ હતો અને તેને કોઈ બીમારી નહોતી.
આ ઘટના સંદર્ભે ગામદેવી પોલીસે ડ્રાઇવર અને કન્ડક્ટરનાં નિવેદનો નોંધીને ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના મેડિકલ ઇમર્જન્સી હતી અને બસની મૂવમેન્ટ કે રોડ-ઍક્સિડન્ટ સાથે એને કોઈ લેવાદેવા નથી. 

mumbai news mumbai breach candy hospital byculla brihanmumbai electricity supply and transport