ખારનું ભોલે બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ શું?

28 October, 2019 11:45 AM IST  |  મુંબઈ | અરિતા સરકાર

ખારનું ભોલે બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ શું?

મુંબઈમાં ઈમારત ધરાશાયી

ગયા મહિને ખારમાં આવેલું ભોલે બિલ્ડિંગ ધરાશાયી થયું એ પ્રકરણમાં નવો ફણગો ફૂટ્યો છે. આ બિલ્ડિંગમાં થઈ રહેલા લીકેજને કારણે એને તત્કાળ રિપેરિંગ કરવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો, પણ રહેવાસીઓએ આંખ આડા કાન કરતાં બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. બિલ્ડિંગ તૂટી પડવાને કારણે ૧૦ વર્ષની એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
ગયા વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ બી. જે. મહેતા કન્સલ્ટન્ટે તૈયાર કરેલા રિપોર્ટ મુજબ બિલ્ડિંગની અંદર તેમ જ બહારના પ્લાસ્ટરમાં બહારની દીવાલો અને ટૉઇલેટ્સમાંથી લાંબા સમયથી થઈ રહેલા લીકેજ ઉપરાંત બિલ્ડિંગની હાલત એટલી હદે કથળી ગઈ હતી કે એને તત્કાળ રિપેરિંગની જરૂર હતી. જોકે બિલ્ડિંગ માત્ર ૪૦ વર્ષ જૂનું હતું, પરંતુ કિચન અને ટૉઇલેટ્સમાં લીકેજને કારણે એની હાલત જર્જરિત થઈ ગઈ હતી.
રિપોર્ટમાં બિલ્ડિંગને ‘સી-ટુ-એ’ કૅટેગરીમાં મૂકવામાં આવ્યું હતું. એનો અર્થ થાય છે કે બિલ્ડિંગમાં સમારકામની તાકીદની જરૂર હોવાથી એ કોઈના રહેવા માટે સુરક્ષિત ન હોવાથી તત્કાળ ખાલી કરાવી દેવું જોઈએ. રિપોર્ટમાં બિલ્ડિંગનું સમારકામ નહીં, પરંતુ એના રીડેવલપમેન્ટની જરૂર જણાવાઈ હતી. રિપોર્ટમાં બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ ન કરવાયું તો રહેનારા લોકોના જીવના જોખમની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે બિલ્ડિંગનું રિપેરિંગ હાથ ધરાયું હતું, પરંતુ બિલ્ડિંગ તૂટી પડ્યું હતું અને એમાં ૧૦ વર્ષની એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
બિલ્ડિંગનો એક હિસ્સો તૂટી પડ્યા બાદ બીએમસીના અધિકારીઓએ રિપેરિંગ કરતા કૉન્ટ્રૅક્ટરે પાર્કિંગ એરિયાના પિલરોને નુકસાન પહોંચાડ્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
જોકે જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે જણાયું કે બિલ્ડિંગની કમિટીના સભ્યોએ સમારકામ કરવાને સ્થાને કન્સલ્ટન્ટનો રિપોર્ટ દબાવી રાખીને લોકોના જીવનનું રિસ્ક લીધું હતું. માહી મોટવાણીના મૃત્યુ પછી પોલીસે ૪૫ વર્ષના કૉન્ટ્રૅક્ટર રણજિત સાવંતની ધરપકડ કરી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીને લીધે તપાસ હાથ ધરી શકાઈ નહોતી.

mumbai khar