મુંબઈ : બસ-ડ્રાઇવરોના બેફામ ડ્રાઇવિંગને લીધે બેસ્ટનું બેસ્ટ નામ ખરાબ છે

19 October, 2020 10:22 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : બસ-ડ્રાઇવરોના બેફામ ડ્રાઇવિંગને લીધે બેસ્ટનું બેસ્ટ નામ ખરાબ છે

વિક્રોલીમાં મિનિ બસના અકસ્માતમાં ૧૩ જણ ઘાયલ થયા હતા

વેટ લીઝ (કર્મચારીઓ સહિત) સેવામાં લેવાયેલી બસના ડ્રાઇવરોના બેફામ ડ્રાઇવિંગ અને ઉદ્ધત વર્તન સામે નાગરિકો અને સામાજિક કાર્યકરો ઉપરાંત બેસ્ટ કમિટીના સભ્યો પણ ફરિયાદ કરે છે. બેસ્ટ કમિટીના સભ્યોએ વેટ લીઝની બસોના ડ્રાઇવરોના આડેધડ વર્તનને કારણે સાર્વજનિક સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનું જણાવ્યું હતું. ગયા શનિવારે વિક્રોલીમાં ૧૩ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકનારા અકસ્માત બાદ વેટ લીઝની બસોનો ઉપયોગ તાકીદે રોકવાની માગણી બેસ્ટ કમિટીના સભ્ય સુનીલ ગણાચાર્યે કરી હતી.

બેસ્ટ કમિટીના સભ્યો અને સામાજિક કાર્યકરોએ વેટ લીઝની બસોના સ્ટાફને કાઉન્સેલિંગ અને શિસ્તબદ્ધ વર્તનની તાલીમ આપવાની પણ માગણી કરી છે. ગયા શનિવારે સવારે ૧૦.૪૫ વાગ્યે વિક્રોલીમાં મિનિ બસના અકસ્માતમાં ૧૩ જણ ઘાયલ થયા હતા. તેમાં મોટા ભાગની મહિલાઓ હતી. ભાંડુપ અને વરલી વચ્ચે દોડતી ૨૭ નંબરની બસનો અકસ્માત વિક્રોલીમાં થયો હતો. તેમાં ફ્લાયઓવર બ્રિજની ઉપરથી આવતા ઓવર સ્પીડિંગ કરતા બાઇકસવારથી દૂર રહેવા માટે બસ ફંટાય એ રીતે ડ્રાઇવરે સ્ટીયરિંગ વ્હીલ ફેરવ્યું હતું. એ અકસ્માતમાં ઈજા પામેલા ૧૩ જણમાંથી ચાર જણને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં અને બે જણને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાત ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલાયા હતા.

બેસ્ટ કમિટીના સભ્ય રવિ રાજાએ જણાવ્યું હતું કે ‘શહેરની જનતાએ એક બાબતની નોંધ લેવી જોઈએ કે વેટ લીઝની બસોના ડ્રાઇવરો બેસ્ટ અંડર ટેકિંગના સ્ટાફર નથી. તેમને બેસ્ટ અંડર ટેકિંગના વ્યવસ્થાતંત્ર દ્વારા અને તંત્રના ધારાધોરણો પ્રમાણે તાલીમ અપાઈ હોતી નથી. તેમનું કાઉન્સેલિંગ કરવું જોઈએ.

જો કોઈ કૉન્ટ્રૅક્ટરનો ડ્રાઇવર ત્રણથી વધારે વખત આવી અકસ્માતની ઘટનામાં સંડોવાયેલો હોય તો તેને બેસ્ટના ડ્રાઇવિંગ માટે ગેરલાયક જાહેર કરવો જોઈએ.’

vikhroli mumbai mumbai news rajendra aklekar