વી આર રેડી: મહિલાઓને લોકલ ટ્રેનમાં એન્ટ્રી આપવા વેસ્ટર્ન રેલવે તૈયાર

20 October, 2020 07:37 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

વી આર રેડી: મહિલાઓને લોકલ ટ્રેનમાં એન્ટ્રી આપવા વેસ્ટર્ન રેલવે તૈયાર

લોકલ ટ્રેન

મહારાષ્ટ્ર સરકારે તમામ મહિલા રેલવે પ્રવાસીઓને મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર ખાસ ઉપનગરીય ટ્રેનોમાં નૉન-પીક-અવર્સ દરમ્યાન એટલે કે સવારે ૧૧થી બપોરે ૩ વાગ્યા સુધી અને ત્યાર બાદ સાંજે ૭ વાગ્યાથી લોકલ ટ્રેનો ચાલુ હોય ત્યાં સુધી પ્રવાસ કરવાની મંજૂરી આપવાની વિનંતી કરી હતી. જોકે આ સંદર્ભે વેસ્ટર્ન રેલવેએ રાજ્ય સરકારના અધિકારીઓને ૨૦૨૦ની ૧૬ ઑક્ટોબરે આ ફેરફારને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટેની પદ્ધતિઓ તૈયાર કરવા સંયુક્ત બેઠક બોલાવવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બધી પ્રક્રિયા વચ્ચે રાજ્ય સરકારનો તમામ મહિલાઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવાનો પત્ર સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ગેરસમજ ઊભી થઈ હતી, જેને કારણે બીજા દિવસે રેલવેએ સ્ટેશનની બહાર સિક્યૉરિટી વધારવાનો બંદોબસ્ત કરવો પડ્યો હતો.

આ સંદર્ભે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘આ સંદરર્ભનો એક પત્ર ૧૬ ઑક્ટોબરે મહારાષ્ટ્ર સરકાર તરફથી મળ્યો હતો અને એ જ દિવસે વેસ્ટર્ન રેલવેએ મહારાષ્ટ્ર સરકારને જવાબ મોકલાવી દીધો હતો. આ પરિવર્તન માટે રેલવે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલમાં વેસ્ટર્ન રેલવે ૭૦૦ વિશેષ ઉપનગરીય ટ્રેનો ચલાવી રહી છે અને એમાં પીક-અવર્સ દરમ્યાન બે મહિલા વિશેષ ટ્રેનનો પણ સમાવેશ છે. એ જ રીતે સેન્ટ્રલ રેલવે કુલ ૭૦૬ વિશેષ ઉપનગરીય ટ્રેનો ચલાવી રહી છે. આ સંદર્ભે રાજ્ય સરકાર સાથે ૧૮ ઑક્ટોબરે ફરીથી આ સંદર્ભની નીતિઓ વિશે અંતિમ રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી.’

ગૃહમંત્રાલયે પણ આ વિશે નોંધ લીધી છે અને રાજ્ય સરકારના અધિકારીઓને કોવિડ-19 મહામારીને પગલે જરૂરી નીતિઓને અંતિમ રૂપ આપવા અને એને રેલવેને પણ જણાવવા કહેવાયું છે તેમ જ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખાતરી કરવી પડશે કે પ્લૅટફૉર્મ પર અને ટ્રેનોમાં વધારે ગિરદી ન થાય અને કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય.

કેટલા પ્રવાસીઓ?
વેસ્ટર્ન રેલવેએ ૧૫ ઑક્ટોબરથી વિશેષ લોકલ ટ્રેનોની સંખ્યા ૫૦૬થી વધારીને ૭૦૦ કરી છે, એથી આ લાઇનમાં દરરોજ લગભગ ૩.૨ લાખ પ્રવાસીઓ વિશેષ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે.

mumbai mumbai news mumbai local train indian railways western railway central railway preeti khuman-thakur