મોહન ભાગવતે મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરતાં રાજકારણ ગરમાયું

17 February, 2021 02:30 PM IST  |  Mumbai | Agency

મોહન ભાગવતે મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરતાં રાજકારણ ગરમાયું

મોહન ભાગવત અને મિથુન ચક્રવર્તી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફિલ્મ-અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે આ મુલાકાત મુંબઈમાં થઈ હતી. આરએસએસના વડા મોહન ભાગવત જાતે મંગળવારે સવારે મુંબઈમાં મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યા હતા. બન્ને વચ્ચેની આ બેઠક સવારે થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મિથુન નાગપુર ગયો હતો અને તેણે આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ તેણે મુંબઈમાં તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

હવે જ્યારે બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે બીજેપી એક ચહેરો શોધી રહી છે એવી સ્થિતિમાં આરએસએસના પ્રમુખ સાથે મિથુનની બેઠક ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. હાલમાં આ રાજકીય અટકળો છે. નોંધનીય છે કે બંગાળની ધરતી પર જન્મેલા મિથુનદાની પ્રોફાઇલમાં ડિસ્કો ડાન્સરથી લઈને સામાજિક કાર્યકર અને રાજનેતા સુધીના અનુભવો સામેલ છે. તેઓ રાજ્યસભાના સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમને તૃણમૂલ કૉન્ગ્રેસે જ રાજ્યસભામાં મોકલ્યા હતા, જેમના ઘણા વરિષ્ઠ નેતાઓ હવે બીજેપીમાં જોડાયા છે. જોકે બે વર્ષ બાદ મિથુને રાજીનામું આપી દીધું હતું.

mohan bhagwat mithun chakraborty rashtriya swayamsevak sangh national news