બીજા પાંચ દિવસ મેઘરાજા કરશે તોફાની બૅટિંગ

01 July, 2022 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદથી વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની સર્વિસ ખોરવાઈ

થાણેમાં ગઈ કાલે ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા (તસવીર : પી.ટી.આઈ.)

મહિનાની શરૂઆતમાં એક દિવસ વરસીને ગાયબ થઈ ગયેલો વરસાદ ફરીથી જામે એવી આશા મુંબઈગરા લગાવીને બેઠા હતા. નાનાં-મોટાં ઝાપટાં પડી રહ્યાં હતાં, પણ વરસાદ જામતો નહોતો. જોકે ગઈ કાલે સવારથી જ ધીમે-ધીમે વરસાદ જામ્યો હતો અને આખો દિવસ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગઈ કાલે મુંબઈમાં શહેરમાં સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમ્યાન ૭૪.૨૬ એમએમ, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૩૫.૪૦ એમએમ અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૫૧.૦૫ એમએમ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે મોડી રાત્રે વરસાદને કારણે દાદર, હિન્દમાતા, માટુંગા, અંધેરી સબવેમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા. ભારે વરસાદને લીધે સેન્ટ્રલ રેલવેની સર્વિસ ડામાડોળ થઈ ગઈ હતી, જ્યારે વેસ્ટર્ન રેલવે ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડતી હતી.

વેધશાળાનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે કહ્યું હતું કે ‘હાલ પશ્ચિમ દિશામાંથી પવનો વાઈ રહ્યા હોવાથી મૉન્સૂન એકદમ સક્રિય થઈ ગયું છે અને દ​િક્ષણ ગુજરાતથી લઈને છેક નીચે કોંકણપટ્ટી સુધી પટ્ટો તૈયાર થયો છે. આવનારા પાંચ દિવસ સુધી પાલઘર, થાણે, મુંબઈ, રાયગડ, સિંધુદુર્ગ અને રત્નાગિરિમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે.’  

દરમ્યાન, વેસ્ટર્નની એક લોકલમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ લોકલની સર્વિસ ખોરવાઈ ગઈ હતી. આ ઘટના ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ બની હતી. જોકે એના પરિણામે વેસ્ટર્ન રેલવેની ચર્ચગેટ તરફ આવતી સ્લો અને ફાસ્ટ લોકલ દસથી પંદર મિનિટ મોડી દોડી હતી.

સેન્ટ્રલ રેલવે પર પણ આસનગાંવ વચ્ચે લોકલ સર્વિસ ખોરવાઈ ગઈ હતી. એલટીટીથી જતી ટ્રેન-નંબર ૧૧૦૫૯ આસનગાંવ સ્ટેશન પાસે લગભગ એક વાગ્યે રોકાઈ ગઈ હતી. સેન્ટ્રલ રેલવેએ માહિતી આપી હતી કે આ ટ્રેનના એન્જિનમાં પ્રૉબ્લેમ થયો હતો. એન્જિનની ખરાબી દૂર કરવામાં એક કલાક લાગ્યો હતો અને ત્યાર બાદ ટ્રેનને આગળ ખસેડવામાં આવી હતી. પરિણામે આસનગાંવ ડાઉન ધીમી લેન પર દોડતી લોકલો મોડી દોડી રહી હતી. એના કારણે આ માર્ગ પરના લોકલ મુસાફરોને પણ ભારે ફટકો પડ્યો હતો.

mumbai mumbai news Weather Update mumbai rains mumbai monsoon