10 September, 2025 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવમાં ભારે વરસાદી મહોલનો અનુભવ કર્યા બાદ હવે મુંબઈગરાઓને ગરમી અને ઉકળાટનો અનુભવ થાય એવો વરતારો હવામાન વિભાગે આપ્યો છે. ૯ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધી મુંબઈમાં ગ્રીન અલર્ટ હોવાથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે. ગઈ કાલે મુંબઈમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા નોંધાયું હતું.
હવામાન ખાતાના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. એસ. ડી. સાનપે જણાવ્યું હતું કે ‘આગામી ચાર દિવસ સુધી મુંબઈમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે. વરસાદનો નવો રાઉન્ડ ૧૪ કે ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ગણાય છે એટલે હજી આ મહિનામાં ચોમાસું પૂરું થાય એવી શક્યતા નથી.’
જૂન મહિનાથી શરૂ થયેલા ચોમાસામાં મુંબઈના સરેરાશ વરસાદનો ૭૯ ટકા વરસાદ નોંધાયો છે. મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં કુલ ક્ષમતાના ૯૭ ટકા પાણી ભરાયું છે. વરસાદ પછીની ગરમી અને ઉકળાટને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની પણ સંભાવના છે.