ગુડ ન્યુઝ : મુંબઈની જરૂરિયાતનું ૯૦ ટકા જેટલું પાણી જળાશયોમાં આવી ગયું

08 August, 2022 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસી દ્વારા મોડકસાગર, તાનસા, વિહાર, તુલસી, અપર વૈતરણા અને ભાત્સામાંથી મુંબઈને રોજનું ૩૮૫૦ મિલ્યન લિટર પાણી પૂરું પડાય છે

ફાઇલ તસવીર

થોડા દિવસ અલપઝલપ રહીને આંખમીંચોલી રમનાર વરસાદે ફરી એક વખત મન મૂકીને વરસવાનું શરૂ કરતાં મુંબઈને પાણી પૂરું પાડતાં ૬ જળાશયોના ઉપરવાસમાં સારો વરસાદ થયો હતો અને મુંબઈની જરૂરિયાતના ૯૦ ટકા જેટલા પાણીની આવક થઈ ગઈ છે. એથી આ વર્ષે હવે મુંબઈ પરથી પાણીનું સંકટ ટળી ગયું છે અને મોટા ભાગે પાણીકાપની સમસ્યા નહીં સર્જાય.  

બીએમસી દ્વારા મોડકસાગર, તાનસા, વિહાર, તુલસી, અપર વૈતરણા અને ભાત્સામાંથી મુંબઈને રોજનું ૩૮૫૦ મિલ્યન લિટર પાણી પૂરું પડાય છે. આ નદીઓ અને તળાવોના ઉપરવાસમાં સારો વરસાદ થતાં પાણીની સારીએવી આવક થઈ છે. આ બધાં જ જળાશયોની કુલ કૅપેસિટી ૧૪.૪૭ લાખ મિલ્યન લિટરની છે. એમાંથી હાલ આ જળાશયોમાં ૧૨,૯૯,૪૨૧ મિલ્યન લિટર પાણી ઑલરેડી જમા થઈ ગયું છે, જે કુલ કૅપેસિટીના ૯૦ ટકા જેટલું છે જે ૩૩૭ દિવસ ચાલી શકે એમ છે.

ગયા વર્ષે આ જ સમયગાળા દરમ્યાન ૭૯.૪૫ ટકા જ પાણીની આવક થઈ હતી, જ્યારે બે વર્ષ પહેલાં ૨૦૨૦માં માત્ર ૩૭.૨૬ ટકા જેટલો જ સંગ્રહ થયો હતો. આ વર્ષે જુલાઈના ત્રીજા અઠવાડિયામાં જ મોડકસાગર, તાનસા અને તુલસી છલકાઈ ગયાં હતાં. ભાત્સા જે મુંબઈને ૪૮ ટકા જેટલું પાણી પૂરું પાડે છે એ હવે ૮૭ ટકા જેટલું ભરાઈ ગયું છે.  

mumbai mumbai news mumbai rains mumbai monsoon