વિરારમાં મૉર્નિંગ-વૉક કરવા ગયેલા વૃદ્ધનું મેનહોલમાં પડતાં મોત

22 February, 2020 07:54 AM IST  |  Mumbai

વિરારમાં મૉર્નિંગ-વૉક કરવા ગયેલા વૃદ્ધનું મેનહોલમાં પડતાં મોત

ગટરના ઓપન મેનહોલમાં પડીને મૃત્યુ પામનારા સિનિયર સિટિઝન ક્રિષ્ના કુપેકર.

વિરારમાં એક ૯૦ વર્ષના વૃદ્ધનું ગટરના ખુલ્લા મૅનહોલમાં પડી જવાથી મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના તાજેતરમાં બની છે. મરનાર શનિવારે ઘરેથી મૉર્નિંગ વૉક માટે નીકળ્યા બાદ પાછા ન ફરતાં તેમના પરિવારે પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ચોથા દિવસની સાંજે યશવંત વિહાર કૉમ્પ્લેક્સ પાસેના રસ્તાની ગટરના ખુલ્લા મૅનહોલમાં તેમનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ વિરાર (વેસ્ટ)માં આવેલા યશવંત વિહાર કૉમ્પ્લેક્સમાં રહેતા ૯૦ વર્ષના ક્રિષ્ના કુપેકર સવારે મૉર્નિંગ વૉક કરવા ઘરેથી ગયા હતા. કલાકો બાદ પણ તેઓ પાછા ન ફરતાં પરિવારજનોએ અર્નાળા પોલીસ-સ્ટેશનમાં તેમની મિસિંગની ફરિયાદ નોંધી હતી.

પરિવારજનો અને પોલીસ વૃદ્ધને શોધી રહ્યા હતા ત્યારે ગુરુવારે સાંજે ૬ વાગ્યે કોઈકે પોલીસને જાણ કરી હતી કે નાળાની ઉપર બંધાયેલી નવી ગટરના મૅનહોલમાં કોઈકનો મૃતદેહ પાણીમાં તરી રહ્યો છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફાયર-બ્રિગેડની મદદથી મૃતદેહને નાળામાંથી બહાર કાઢ્યો હતો. તપાસ કરતાં જણાયું હતું કે આ મૃતદેહ પાંચ દિવસ પહેલાં મૉર્નિંગ વૉક કરવા ઘરેથી નીકળેલા ક્રિષ્ના કુપેકરનો છે.

આ પણ વાંચો: કોઈએ સીએએ, એનપીઆરથી ડરવાની જરૂર નથીઃ ‍ઉદ્ધવ ઠાકરે

નવી બંધાઈ રહેલી ગટરનો લોકો ફુટપાથ તરીકે ઉપયોગ કરે છે. અહીં મૅનહોલ હોવાની કોઈ ચેતવણી ન મુકાઈ હોવાથી ૯૦ વર્ષના ક્રિષ્ના કુપેકર એમાં પડી ગયા હોવાથી મૃત્યુ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે આકસ્મિક મૃત્યુના કેસ નોંધીને આ કામ કરી રહેલા કૉન્ટ્રૅક્ટરની પૂછપરછ કરવામાં આવશે એમ અર્નાળા પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જે કહ્યું હતું.

virar mumbai news mumbai