તમને પણ મોબાઇલ પર લૉટરી જીત્યા હોવાના ફોન આવે છે? તો સાવધાન...

22 April, 2019 11:41 AM IST  |  મુંબઈ

તમને પણ મોબાઇલ પર લૉટરી જીત્યા હોવાના ફોન આવે છે? તો સાવધાન...

પ્રતીકાત્મક તસવીર

૩૦ વર્ષની એક મહિલા ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન સ્કૅમમાં ફસાઈ જતાં તેણે ૨.૮૮ લાખ રૂપિયા ગુમાવ્યા છે. મહિલાને ખાતરી આપવામાં આવી હતી કે તમને ફ્રીમાં લૅપટૉપ મળ્યું છે અને ૭ લાખ રૂપિયાની લૉટરી લાગી છે એવી લલચામણી વાતો કરી છેતરી હતી. મહિલાએ નેટ-બૅન્કિંગ દ્વારા રૂપિયા ભર્યા હતા, પરંતુ મહિલાને ન તો લૅપટૉપ મળ્યું કે ન તો લૉટરીના રૂપિયા મYયા. આ બનાવ વિશે વિરાર પોલીસે ૬ જણ સામે ફરિયાદ નોંધી છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી.

વિરાર (ઈસ્ટ)ના સહકાર નગરમાં શ્રદ્ધા અપાર્ટમેન્ટમાં રહેતી ૩૦ વર્ષની લતા શિવાજી કોલંબકરના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન આવ્યો ત્યારે મહિલાને શુભેચ્છા આપીને તેમણે કહ્યું કે તમે સાત લાખ રૂપિયા લૉટરીમાં જીત્યાં છો અને ફ્રીમાં તમને એક લૅપટૉપ પણ મળશે. એટલે મહિલાએ હા પાડી. ત્યાર બાદ મહિલાને કહેવાયું કે તમને ફ્રી લૅપટૉપ કુરિયરથી મળશે. સાત લાખ રૂપિયા માટે મહિલાને હૅન્ડલિંગ, ઍડ્મિનિસ્ટ્રેટિવ અને બૅન્ક-ચાર્જ તરીકે ૨.૮૮ લાખ રૂપિયા ભરવાની વાત કરી અને કહ્યું કે તમે જીતેલા સાત લાખ રૂપિયા તમારા બૅન્ક-અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે.

આ પણ વાંચો : 33 લાખથી વધુ જગ્યા ખાલી પડી પણ નોકરી મળી માત્ર 8 લાખને

આ બનાવ વિશે માહિતી આપતાં વિરારના પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘મહિલા કુરિયર માટે રાહ જોઈ રહી હતી અને એ આવતું ન હોવાથી તેણે R B India નામની વેબસાઇટ પરથી કસ્ટમર કૅરનો નંબર લીધો અને ફોન કર્યો, પરંતુ ત્યાર બાદ તેને ખોટાં આશ્વાસન આપવામાં આવી રહ્યાં હોવાનું લાગ્યું એટલે મહિલાએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ૬ શખ્સ સામે ગુનો નોંધ્યો છે જેમાં ફેક ફર્મના માલિક સહિત ૬ જણનાં નામ છે. અત્યાર સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. ઉલ્લેખનીય છે કે મહિલાએ રૂપિયા આપતાં પહેલાં તેના પતિને પણ આ વિશે જાણ નહોતી કરી.’

virar mumbai news