પાલિતાણાના ડુંગર પર આગ ઓલવવામાં ગામવાળાના ધાબળાએ ભજવી મહત્ત્વની ભૂમિકા

15 March, 2021 08:55 AM IST  |  Mumbai | Rohit Parikh

પાલિતાણાના ડુંગર પર આગ ઓલવવામાં ગામવાળાના ધાબળાએ ભજવી મહત્ત્વની ભૂમિકા

આને કહેવાય કુદરતની જીવદયા, પાલિતાણામાં લાગેલી વિકરાળ આગમાં આ વાછરડું જ્યાં બેઠું હતું એ જગ્યા છોડીને આજુબાજુમાં બધે આગ લાગી હતી.

ભાવનગર પાસે આવેલા જૈનોના તીર્થ પાલિતાણાના ડુંગરાળ પ્રદેશમાં શનિવારે બપોરના અઢી વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગ ઓલવવા માટે ફાયર-બ્રિગેડ અને ફૉરેસ્ટના અધિકારીઓની સાથે નજીકના ગામના ૪૦૦ લોકોએ સાથ આપ્યો હતો. આગને ઓલવવા માટે ફૉરેસ્ટ અધિકારીઓએ ફાયર-બ્રિગેડનાં ફાયર એક્સ્ટિંગ્વિશર અને ગામના લોકોએ ધાબળાઓનો ઉપયોગ કર્યો હતો. આ આગ સંપૂર્ણપણે ગઈ કાલે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે ઓલવાઈ હતી. આગને કાબૂમાં લેતાં ૧૪ કલાકનો સમય લાગ્યો હતો. જોકે આટલી મોટી આગ હોવા છતાં સદ્નસીબે કોઈ પણ વન્યપ્રાણીને ઈજા નહોતી થઈ.

શનિવારે બપોરે અંદાજે અઢી વાગ્યાની આસપાસ કંજડા અને અદપુરના ડુંગરની હારમાળા વચ્ચે ગરમીને કારણે આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડની સાથે ફૉરેસ્ટના ૭૦ જવાનો આગ ઓલવવા માટે સક્રિય હોવા છતાં પ્રશાસને આસપાસના ગામના રહેવાસીઓની મદદ લેવી પડી હતી. આ બાબતમાં પાલિતાણાના સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારની આગ પાલિતાણાના ઇતિહાસની પહેલી સૌથી મોટી ઘટના હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસનાં ગામડાંના લોકો દૂરથી આગની વિકરાળતા જોઈ શકતા હતા. એક સમયે તો અમને લાગ્યું હતું કે આગ હેલિકૉપ્ટરની મદદ વગર ઓલવાશે નહીં. આથી સૌ ચિંતિત હતા.’

શત્રુંજય તીર્થથી આગ ઘણી દૂર હતી એમ જણાવતાં પાલિતાણાના ફાયર-બ્રિગેડના અધિકારી મયંક ઉપાધ્યાયે આખી ઘટનાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉનાળાના દિવસોમાં ડુંગરો પર થોડી-થોડી આગ લાગતી રહેતી હોય છે. એમાં કોઈ નવી વાત નથી. આવા બનાવો ઘણી વાર ઉનાળામાં બનતા હોય છે, પરંતુ સવારના ઝાંકળ પડતાં એ ઓવલાઈ જતી હોવાથી કોઈ હાહાકાર થતો નથી. જોકે શુક્રવારે બપોરના સમયે ડુંગરોના ઘાસમાં લાગેલી આગમાં વૃક્ષો પણ આવી ગયાં હતાં. એમાં સાંજના પવનના સુસવાટાથી આગ વધુ ફેલાઈ હતી, જે રાતના ૯.૩૦થી ૧૦ વાગ્યાની આસપાસ જોરદાર પવન ફૂંકાતાં વિકરાળ બની ગઈ હતી.’

સામાન્ય આગ અમે ઝાડવાના પાનના ગુચ્છાથી ઓલવી દેતા હોઈએ છીએ એવી જાણકારી આપતાં મયંક ઉપાધ્યાયે વધુમાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી આગ જમીન પર ઘાસના ભાગમાં લાગી હોય ત્યાં સુધી ઓલવવી સહેલી છે, પરંતુ એ આગ જો આસપાસનાં વૃક્ષોમાં પણ લાગે તો વિકરાળ બની જાય છે. ત્યાર પછી એને કુદરતી વરસાદ કે હેલિકૉપ્ટર દ્વારા પાણી છાંટવાથી જ ઓલવી શકાય છે. જોકે આપણી પાસે શુક્રવારે આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી. એને પરિણામે પ્રશાસને આસપાસના ચાર તાલુકાના રહેવાસીઓની મદદ લેવી પડી હતી.’

લોકોએ આગ ઓલવવા માટે ધાબળાનો ઉપયોગ કર્યો હોવાની વાતને સમર્થન આપતાં મયંક ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘આગ વિકરાળ બન્યા બાદ આસપાસનાં ગામોના યુવકો ધાબળા લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જ્યાં-જ્યાં આગના ભડકા દેખાતા હતા ત્યાં ધાબળાથી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. ફૉરેસ્ટ ઑફિસરોએ અમારી પાસે રહેલાં ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ ઓલવી હતી. આમ ધાબળા અને ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ ઓલવતાં અમને સવાર પડી ગઈ હતી.’

નવકાર મંત્રના જાપ
શુક્રવારે રાત્રે પાલિતાણાના ડુંગરોની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જૈનોના સાધુભંગવંતોએ આ આગ શત્રુંજય તીર્થ ડુંગર સુધી ન પહોંચે એ માટે રાતના સૂતા પહેલાં બાર નવકાર ગણીને તીર્થની રક્ષા હોજો એવા ભાવ ભાવીને સૂવાની અપીલ કરી હતી.  

mumbai mumbai news bhavnagar