ફ્રી ઑક્સિજન સિલિન્ડર આપની સેવામાં હાજર છે

28 July, 2020 12:59 PM IST  |  Mumbai | Ruchita Shah

ફ્રી ઑક્સિજન સિલિન્ડર આપની સેવામાં હાજર છે

ઑક્સિજન સિલિન્ડર

મુંબઈમાં હવે ઘણા કોવિડ પૉઝિટિવ પેશન્ટોએ હોમ ક્વૉરન્ટીન થઈને પોતાની સારવાર ચાલુ રાખી છે. જોકે સતત વધી રહેલા કેસ વચ્ચે ઘરમાં રહીને તમામ તબીબી સગવડોમાં સૌથી વધુ જરૂરિયાત પડતી હોય એવી કોઈ બાબત હોય તો એ છે ઑક્સિજન. અચાનક ઑક્સિજન લેવલ ઘટી જાય તો પેશન્ટને ઑક્સિજન સિલિન્ડરની મદદથી બહારથી ઑક્સિજન પૂરો પાડવો પડતો હોય છે. આ સિલિન્ડર રેન્ટ પર પણ લેવા જાઓ તો પણ એની કિંમત સારી એવી હોય છે અને દરેકને પરવડે એવી નથી હોતી.

આ વિચાર ઘાટકોપરના વીર ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને પણ થોડાક દિવસ પહેલાં આવ્યો અને તેમણે જેમને પણ ઑક્સિજન સિલિન્ડરની જરૂરિયાત હોય તે ડૉક્ટરની ચિઠ્ઠી દેખાડીને રિફન્ડેબલ ડિપોઝિટનો ચેક આપીને લઈ જાય અને પોતાનું કામ પતે એટલે ફરી પાછું આપી જાય એવી અફલાતૂન વ્યવસ્થા ઊભી કરી છે. આ પ્રકારની સર્વિસ આપતાં ટોટલ ૩૩ સેન્ટરો મુંબઈભરમાં ઊભાં કર્યાં છે. સંસ્થાના મુખ્ય ફાઉન્ડર નીતિન સંઘવી કહે છે, ‘લૉકડાઉન શરૂ થયું ત્યારે અમે ૬૦૦ સૅનિટાઇઝિંગ મશીન લઈ આવ્યાં હતાં. એ સમયે બિલ્ડિંગો, હૉસ્પિટલો, સરકારી ઑફિસોને સૅનિટાઇઝેશન કરવામાં આવી હતી. લગભગ ૩૦,૦૦૦ કરતાં વધુ સોસાયટીઓએ આ મશીનનો ઉપયોગ કર્યો હતો. હવે ઑક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે એટલે હવે સૅનિટાઇઝિંગ પંપની જેમ જ ઑક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ મોટા પાયે ઊભી કરી છે.

મુંબઈમાં ૩૩ સેન્ટર છે, જ્યાં કાર્યકર્તાઓ પૂરી નિષ્ઠાથી કામ કરે છે. અડધી રાતે પણ કોઈને ઑક્સિજન સિલિન્ડરની જરૂર પડે તો તમામ વસ્તુઓ સાથે તેમને આપવામાં આવે છે. આ કમ્પ્લીટ ફ્રી સવિર્સ છે, પરંતુ લોકો વસ્તુની પૂરતી સંભાળ લે એટલે અમે ડિપોઝિટનો ચેક લઈએ છીએ. એ ચેક જેવું સિલિન્ડર પાછું આવે એવો જ પાછો આપી દેવાય છે. આ કાર્યમાં અમને મુંબઈભરના જૈન સંઘોઓએ અને ભાનુશાળી સમાજે ખૂબ સપોર્ટ કર્યો છે.’

છેલ્લા ચાર મહિનાથી નીતિન સંઘવી સાથે તેમનો દીકરો રાહુલ સંઘવી, રાહુલ દેસાઈ, જેઠાલાલ દેઢિયા અને તેમના સાથી કાર્યકરો આખો દિવસ ફીલ્ડ પર કામ કરી રહ્યા છે. મુંબઈભરનાં દરેક સેન્ટરમાં ત્રણ અને દસ લિટરના પચીસ ઑક્સિજન સિલિન્ડર, એની સાથે આવતો વાલ્વ અને નેઝલ પાઇપ જેવી બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે.

વીર ફાઉન્ડેશનના રાહુલ દેસાઈ કહે છે, ‘ખૂબ ઓછા સમયમાં ઘણા લોકોએ આ સેવાનો લાભ ઉઠાવ્યો છે. ઘાટકોપર અમારું મુખ્ય સેન્ટર છે. જોકે રોજેરોજ વપરાયેલાં સિલિન્ડરનું રિફિલિંગ જુદા સ્થળે થાય છે. તમને નવાઈ લાગશે કે રિક્ષાવાળાથી લઈને મોંઘી ગાડીઓમાં બેસનારા એમ દરેક વર્ગના લોકો આ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે. અમે ચાર્જ પણ નથી લેતા અને ડોનેશન પણ નથી લેતા.’

mumbai mumbai news ghatkopar covid19 coronavirus ruchita shah