પ્રૉપર્ટી કોઈ એકની, જપ્ત કરી હોય બૅન્કે, વેચવા નીકળે કોઈ ત્રીજું જ

19 December, 2012 03:26 AM IST  | 

પ્રૉપર્ટી કોઈ એકની, જપ્ત કરી હોય બૅન્કે, વેચવા નીકળે કોઈ ત્રીજું જ



વિવિધ કંપનીના નામે ગ્રાહકોને બૅન્કે જપ્ત કરેલી પ્રૉપર્ટી બતાવીને ૩૦ ટકા ઍડ્વાન્સ પેમેન્ટ લેતી ૩ જણની ટોળકીમાંથી બે જણને વસઈ (વેસ્ટ)ના માણિકપુર પોલીસે પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપી પાસેથી ૧ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી અને ૧૭ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આરોપીને ૨૦ ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો ર્કોટે આદેશ આપ્યો છે.

વસઈ, વિરાર, ભાઈંદર, મીરા રોડ, કલ્યાણ અને થાણે વિસ્તારમાં બૅન્કની જપ્ત કરેલી પ્રૉપર્ટી બતાવીને તેઓ ગ્રાહકો પાસેથી ૩૦ ટકા ઍડ્વાન્સ પેમેન્ટ લઈને તેમને છેતરતા હતા. આરોપીઓ વિવિધ કંપનીના નામનો ઉપયોગ કરીને પ્લૉટ બતાવતા હતા. આ રીતે આ ટોળકીએ ૧૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી કરીને તેમની પાસેથી ૩૦ ટકા પેમેન્ટ લઈ લીધું હતું. માણિકપુર પોલીસ-સ્ટેશનને આ સંદર્ભે ૪૭ ફરિયાદો મળી છે. ફરિયાદ અનુસાર પોલીસે તપાસ કરીને ૨૮ વર્ષના સંદીપ સિંહ અને ૩૧ વર્ષના સુનીલ સિંહની અટક કરી છે. મુખ્ય આરોપી યોગેશ કરાંડા ફરાર છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. આ ટોળકી દ્વારા કેટલા લોકોને ફસાવવામાં આવ્યા છે એની પણ પોલીસ તપાસ કરી રહી છે.