મુંબઈગરાઓ, કોરોનાનિયમોનું પાલન કઈ રીતે કરવું એ શીખો આ સોસાયટીઓ પાસેથી

18 February, 2021 11:57 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈગરાઓ, કોરોનાનિયમોનું પાલન કઈ રીતે કરવું એ શીખો આ સોસાયટીઓ પાસેથી

વસઈની જય પૅલેસ સોસાયટીમાં રવિવાર સિવાય બાળકોને નીચે રમવાનું અલાઉડ નથી અને આ સોસાયટીના ચૅરમેન વસંત શાહ

મુંબઈમાં કોરોના મહામારીએ ફરી સ્પીડ પકડી છે. એમાં મુંબઈનાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં અનેક રહેવાસીઓ માસ્કનો ગંભીરતાથી ઉપયોગ કરતા નથી. સોશ્યલ ગૅધરિંગ, બર્થ-ડે પાર્ટીનું આયોજન, સૅનિટાઇઝરનો ઉપયોગ ન કરવો જેવાં કારણો પણ આગળ આવ્યાં છે. હાલમાં તો બીએમસીએ એની અંતર્ગત આવતા ચાર વૉર્ડ જેમાં ચેમ્બુર, મુલુંડ, બોરીવલી અને કાંદિવલીનો સમાવેશ થાય છે એની સોસાયટીઓમાં જઈને લેટર આપીને તેમને કોરોનાના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનો સ્ટ્રિક્ટ ઑર્ડર આપી દીધો છે. એવામાં વસઈ-વિરારમાં અનેક એવી સોસાયટીઓ પણ છે જેઓ લૉકડાઉનની શરૂઆતથી લઈને અત્યાર સુધી સરકારે આપેલી ગાઇડલાઇન્સને કડક રીતે ફૉલો કરી રહી છે. એની સાથે સોસાયટીઓએ કોરોનાનું સંક્રમણ વધે નહીં એ માટે પોતાની જવાબદારી ગણીને અનેક સ્ટ્રિક્ટ પગલાં સુધ્ધાં લીધાં છે અને હજી સુધી ફૉલો કરી રહી છે.

વિરારની સોસાયટી હજી લૉક

વિરાર-ઈસ્ટના સંતનગરમાં ડી માર્ટની સામે આવેલા સંત મુક્તાબાઈ અપાર્ટમેન્ટમાં હજી સુધી લૉક-સિસ્ટમ ચાલી રહી છે. ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના આ બિલ્ડિંગમાં ૪૮ ફ્લૅટ છે અને કૉમન ગૅલેરી છે. આ સોસાયટીના ચૅરમૅન જગદીશ દવેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન લાગુ કરાયો ત્યારથી જ અમે સોસાયટીના મેઇન ગેટને લૉક કરીને રાખીએ છીએ જેથી અવરજવર મર્યાદિત રહે. દરેક ઘરમાં એક ડુપ્લિકેટ ચાવી આપી દેવામાં આવી છે. પહેલાં તો ફક્ત પુરુષસભ્યને જ ઘરેથી નીકળવા દેતા હતા અને એ પણ સવારે નવથી ૧૧ વાગ્યા સુધી. જોકે લોકલ શરૂ થયા બાદ કામ પર જવું પડતું હોવાથી એમાં થોડી છૂટ અપાઈ છે. જોકે બિલ્ડિંગની બહાર જેટલી વખત જાય એટલી વખત રજિસ્ટરમાં નામ અને કારણ લખીને જવું પડે. સોસાયટીમાં અતિ આવશ્યક સેવાના ત્રણ લોકો રહે છે. અમે લોકો પહેલાં તો બિસલેરીથી લઈને ઘરમાં જોઈતી વસ્તુઓ પહોંચાડતા હતા. લૉકડાઉનમાં તો બહારની કોઈ વ્યક્તિને અંદર આવવા દીધી નહોતી. સરકારે છૂટ આપી ત્યારે અમુક જ લોકો દેશમાં ગયા હતા અને જ્યારે આવ્યા ત્યારે તેમની મેડિકલ-ટેસ્ટ કરાવીને લીધા હતા તેમ જ પરિવાર સાથે ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવું ફરજિયાત હતું અને હાલમાં પણ છે. સોશ્યલ ગૅધરિંગ તો હજી સુધી અલાઉડ કરાયું નથી. હાલમાં પણ ઘરે કોઈ મહેમાન એક-બે દિવસ રોકાવા આવવાના હોય તો તેમને ડૉક્ટરનું મેડિકલ ચેક-અપ કરેલું સર્ટિફિકેટ દેખાડવું ફરજિયાત છે. જો અમારા ધ્યાન બહાર કોઈ આવી પણ જાય તો તે પરિવારે મહેમાન સાથે ફરજિયાત ક્વૉરન્ટીન થવાનું હોય છે. સોસાયટીના ગ્રુપમાં દરરોજ હાથ-પગ ધોવા, સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો, માસ્ક પહેરવો જેવા મેસેજ અમે મોકલતા હોઈએ છીએ. ગેટ પર લૉક-સિસ્ટમ હજી સુધી છે જેથી જેને પણ કામ માટે બહાર જવું હોય તેણે લૉક ખોલીને અને પછી બંધ કરીને જવું પડે છે. સોસાયટીના પરિસરમાં માસ્ક વગર કોઈ દેખાય તો ૧૦૦ રૂપિયા ફાઇન લેવામાં આવે છે એટલી સ્ટ્રિક્ટનેસ હોવાને કારણે અને રહેવાસીઓ પણ સમજી રહ્યા છે એટલે જ અમારી સોસાયટીમાં હજી સુધી એક પણ પૉઝિટિવ કેસ આવ્યો નથી.’

ભેગા નહીં જ થવાનું

સરકારે આપેલી તમામ ગાઇડલાઇન્સનું હજી પણ અમે સખત પાલન કરીએ છીએ એમ જણાવતાં વસઈ-વેસ્ટમાં ૧૦૦ ફીટ રોડ પર જૈન મંદિર ગલીમાં આવેલી ૪૨ ફ્લૅટ ધરાવતી જય પૅલેસ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચૅરમૅન વસંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના બાદ અમારી સોસાયટીનો ગેટ બંધ રાખવામાં આવે છે જેથી બહારની વ્યક્તિ પરવાનગી વગર અંદર પ્રવેશી શકે નહીં. માસ્ક ન હોય તો વૉચમૅન સીધા ઘરે પાછા મોકલે છે અને માસ્ક પહેરીને જ આગળ વધવા દે છે. સોસાયટીની નીચે કે અન્ય કોઈ સોશ્યલ ગૅધરિંગની પરવાનગી નથી. ફક્ત બાળકો ફ્રેશ થાય એ માટે રવિવારે નક્કી કરેલા સમયે જ રમવા આવવાનું હોય છે. સોસાયટીમાં આવવા-જવા માટે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. નીચે રાખેલા બેસિનમાં હાથ ધોઈને જ ઘરે જવાનું. ભાડા પર ઘર આપવા પહેલાં સોસાયટીને મેડિકલ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. એમાં પણ વન રૂમ કિચનમાં ચાર જણ, વન બીએચકેમાં છ જણ અને ટૂ બીએચકેમાં આઠ જણ - આ બધામાં નાનાં બાળકો કે નવજાત બાળકનો પણ સમાવેશ છે - એટલા જ સભ્યો અલાઉડ છે. કોરોનામાં શરૂ કરેલો આ નિયમ હવે કાયમી ધોરણે કરી નાખ્યો છે. સોસાયટીનું કોઈ પણ પ્રકારનું પેમેન્ટ હોય, બિલ હોય એ તમામ ડિજિટલ રીતે કરવાનું. નો ચેક અલાઉડ. કોઈ સમસ્યા હોય તો વિડિયો-કૉલિંગ કરવાનું રાખીએ છીએ. લૉકડાઉન વખતે વૉટ્સઍપ પર સભ્યોનું ગ્રુપ બનાવ્યું છે એના પર કોરોના સંબંધિત તમામ ચર્ચા કરાય છે. જેને તકલીફ છે એમના જ ઘરે મેઇડને અલાઉડ કરાય છે. આ બધી સતર્કતાનું આજના દિવસે પણ પાલન કરીએ છીએ એટલે જ કોઈ કેસ સામે આવ્યો નથી. ફક્ત શરૂઆતમાં અતિ આવશ્યક સેવાનું કામ કરતી એક વ્યક્તિ પૉઝિટિવ આવી હતી, પરંતુ સારવાર બાદ તે ઓકે થઈ ગઈ હતી.’

preeti khuman-thakur mumbai mumbai news coronavirus covid19 vasai virar