મુંબઈ : પોલીસ-સ્ટેશનનું ભાડું 29 વર્ષથી ચૂકવાયું નથી

09 October, 2020 07:31 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ : પોલીસ-સ્ટેશનનું ભાડું 29 વર્ષથી ચૂકવાયું નથી

માણિકપુર પોલીસ-સ્ટેશન

વસઈના એક બિઝનેસમૅનને તેના ભાડૂત પરેશાન કરે છે. એ બિઝનેસમૅન નંદકુમાર કનૈયાલાલ જૈન છે અને ભાડૂત છે વસઈ પોલીસ-સ્ટેશન. વસઈ-વેસ્ટની મોતી નિવાસ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નંદકુમાર જૈનની જગ્યામાં ૧૯૯૧થી ભાડા પર માણિકપુર પોલીસ-સ્ટેશન ચાલે છે. નંદકુમાર જૈનની એવી ફરિયાદ છે કે માણિકપુર પોલીસ-સ્ટેશન માટે ૧૯૯૧થી ભાડું ચૂકવાયું નથી.

નંદકુમાર જૈનનું કહેવું છે કે ૧૯૯૧માં ફક્ત ૬ મહિના માટે તેમની જગ્યા પોલીસ-સ્ટેશન માટે વાપરવાની મૌખિક સમજૂતી કરવામાં આવી હતી, પરંતુ છ મહિના વીતી ગયા પછી પણ તેમની જગ્યાનો માણિકપુર પોલીસ-સ્ટેશન માટે વપરાશ ચાલુ રાખવામાં આવ્યો અને એનું ભાડું પણ ચૂકવાતું નહોતું. ૨૯ વર્ષમાં મંત્રાલય અને પોલીસ ડિપાર્ટમેન્ટને ઘણા પત્રો લખ્યા છતાં એની કોઈ અસર થઈ નથી. જૈનની માલિકીની ૬ દુકાનોની કુલ ૩૦૦૦ ચોરસ ફુટની જગ્યામાં પોલીસ-સ્ટેશન ચાલે છે અને આજના દર પ્રમાણે તેમને એ જગ્યાનું માસિક ભાડું ૩૦,૦૦૦ રૂપિયા મળે એવો અંદાજ રાખવામાં આવે છે.

૧૯૯૧માં મહારાષ્ટ્ર પોલીસના એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર એસ. આર. શિંદે તથા એક સ્થાનિક રાજકારણીના આગ્રહને પગલે નંદકુમારના પિતા કનૈયાલાલે એ જગ્યા ભાડે આપવા સંમત થયા, પરંતુ ૬ મહિનામાં એ જગ્યા ખાલી કરવાને બદલે ૧૯૯૨માં પોલીસ-સ્ટેશનનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલમાં સોસાયટીના બગીચામાં પોલીસે જપ્ત કરેલાં વાહનો રાખવામાં આવે છે. નંદકુમારને જગ્યા પછી જોઈતી હતી, પરંતુ તેમને જગ્યા કે ભાડું કાંઈ ન મળ્યું. તેમના પરિવાર-સંતાનો માટે એ દુકાનો પાછી જોઈએ છે.

આ સમસ્યા બાબતે મીરા ભાઈંદર-વસઈ વિરાર પોલીસના ઍડિશનલ કમિશનર એસ. જયકુમારે જણાવ્યું કે ‘માણિકપુર પોલીસ-સ્ટેશન ભાડાની જગ્યામાં ચાલે છે એ સાચી વાત છે. એ જગ્યાની કાનૂની સ્થિતિ તપાસીને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની યોગ્ય કાર્યવાહી કરીશું.’

mumbai mumbai news vasai mantralaya diwakar sharma