મુંબઈઃકબૂતરને કારણે કતલ

13 January, 2019 08:08 AM IST  |  મુંબઈ | Priti Khuman Thakur

મુંબઈઃકબૂતરને કારણે કતલ

મૃતકઃરામચંદ્ર રાઉત

લાલ કલિંગર માટે અત્યંત જાણીતા વસઈના રાનગાંવમાં કબૂતર ચોરી કર્યાની ફક્ત શંકાના કારણે ૭૦ વર્ષના સિનિયર સિટિઝનનું ગળું દબાવીને મારી નાખવામાં આવ્યાનો શૉકિંગ બનાવ સામે આવ્યો છે. વસઈ પોલીસે આ સંદર્ભે‍ ગુનો નોંધીને ચાર મહિલા સહિત ૮ આરોપીઓની ધરપકડ કરી છે. ગઈ કાલે આરોપીઓને વસઈ ર્કોટમાં લઈ જતાં તેમને પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે.

વસઈ (વેસ્ટ)માં રાનગાંવના લહુપાડામાં ૭૦ વર્ષનો રામચંદ્ર રાઉત રહેતો હતો. રામચંદ્રએ કબૂતર ચોરી કર્યા હોવાની શંકા જતાં શુક્રવાર મોડી રાતે રામચંદ્રના પાડોશમાં રહેતા પરિવારના સભ્યોએ જઈને રામચંદ્રની મારપીટ કરી હતી. કબૂતરચોરીનો વિવાદ એટલો વધી ગયો કે એ દરમ્યાન રામચંદ્રનું ગળું દબાવવામાં આવતાં તેણે જીવ ગુમાવ્યો હતો. રામચંદ્રએ જીવ ગુમાવતાં આઠ જણ સામે વસઈ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ આઠ આરોપીઓમાં ચાર મહિલાનો પણ સમાવેશ છે. પોલીસે રામચંદ્રની ડેડ-બૉડી તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધી છે અને એના રિપોર્ટની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચોઃ મુંબઈમાં ઘરનું ઘર નથી જોઈતું, ભાડાનું ચાલશે, તમે પણ આ જ બિરાદરીમાં આવો છો?

આ બનાવ વિશે માહિતી આપતાં વસઈ ગામ પોલીસ-સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાબળેએ જણાવ્યું હતું કે ‘રામચંદ્રએ કબૂતરની ચોરી કરી હોવાની શંકા જતાં લોકોનું ટોળું તેના ઘરે પહોંચ્યું હતું. જોકે તેણે ના પાડતાં વિવાદ વધ્યો એથી રામચંદ્રએ પોલીસ-સ્ટેશનમાં વિવાદ થયા વિશે ફરિયાદ પણ કરી હતી. જોકે આ ફરિયાદ વિશે જાણ થતાં તે લોકો રામચંદ્રના ઘરે પહોંચી ગયા અને કબૂતરચોરીના વિવાદના કારણે રામચંદ્રનો જીવ લેવામાં આવ્યો હતો. રામચંદ્ર ગંભીર હાલતમાં હોવાથી તેને પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ જતાં દાખલ કરવા પહેલાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. રામચંદ્રના પરિવારના સભ્યની ફરિયાદના આધારે આઠ જણની ધરપકડ કરવામાં આવી હતી.’

 

mumbai news Crime News