મુંબઈ: વેબસાઇટ છે એકદમ સ્લો હેલ્પલાઇન હેલ્પ નથી કરતી

28 July, 2020 12:59 PM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: વેબસાઇટ છે એકદમ સ્લો હેલ્પલાઇન હેલ્પ નથી કરતી

મુંબઈ યુનિવર્સિટી

મુંબઈ યુનિવર્સિટીની કૉલેજોમાં ઑનલાઇન ઍડ્મિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, પરંતુ એની વેબસાઇટ સાવ સ્લો ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતા હાથ હેઠા મૂકીને બેસી ગયાં છે. વેબસાઇટ સ્લો હોવા ઉપરાંત અન્ય અનેક ટેક્નિકલ સમસ્યાઓને કારણે ઍડ્મિશન પ્રોસેસ સાવ ખોડંગાય છે. હેલ્પલાઇન સુધ્ધાં વિદ્યાર્થીઓને સહેજ પણ હેલ્પફુલ નથી થતી.

હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (એચએસસી) એક્ઝામનાં પરિણામો જાહેર કરાયા પછી તરત મુંબઈ યુનિવર્સિટીએ ફર્સ્ટ યરનાં ઍડ્મિશન્સ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી હતી. બાવીસમી જુલાઈથી શરૂ કરવામાં આવેલી રજિસ્ટ્રેશનની કાર્યવાહીની આખરી તારીખ ૪ ઑગસ્ટ છે, પરંતુ ટેક્નિકલ અડચણોને કારણે અત્યંત મંદ ગતિએ કામગીરી ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતામાં છે. એ ઑનલાઇન અડચણોને નાબૂદ કરવામાં હેલ્પલાઇન પણ હેલ્પફુલ થતી નથી.

વિદ્યાર્થીઓ કહે છે કે ‘મુંબઈ યુનિવર્સિટીની વેબસાઇટ પર લૉગ-ઇન કર્યા પછી ઑનલાઇન રજિસ્ટ્રેશન ફૉર્મમાં ભરેલી વિગતો સેવ થતી નથી. એથી બીજા સ્ટેપમાં એ જ વિગતો ફરી ભરવી પડે છે. એમાં એટલો બધો સમય બગડે છે કે અમે થાકીને હતાશ થઈ જઈએ છીએ. વળી વેબસાઇટ સ્લો ચાલતી હોવાથી સાવ અસહાય બની ગયાની લાગણી થાય છે. ઑનલાઇન રજિસ્ટ્રેશન ફૉર્મ ભરીને સબમિટ કરવામાં કલાકો વીતી જાય છે. વેબસાઇટ પર કોઈ સ્પષ્ટ સૂચના પણ મળતી નથી.

કૉલેજ એઇડેડ છે કે અનએઇડેડ એની સ્પષ્ટતા વેબસાઇટ પર મળતી નથી. કૉલેજ-કોડ વિશે પણ ઉલ્લેખ કે સ્પષ્ટતા મળતી નથી. એ વિગતો જાણવા માટે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન પ્રોસેસ રોકીને તપાસ કરવી પડે છે. ઑનલાઇન રજિસ્ટ્રેશન પ્રોસેસના લાસ્ટ સ્ટેપ પર પહોંચતા સુધી કઈ વિગતોની જરૂર પડશે એની કોઈ ખબર હોતી નથી. હેલ્પલાઇનની ઘણી મર્યાદાઓ છે. ઑનલાઇન કૉલનો જવાબ લાંબા વખત સુધી અપાતો નથી. ઑનલાઇન કન્સલ્ટેશનમાં સંતોષકારક જવાબો મળતા નથી. એ જવાબોથી સમસ્યા ઉકેલાતી નથી.’

mumbai mumbai university pallavi smart mumbai news