મુંબઈ યુનિવર્સિટીનો છબરડો: એસીની કિંમત કરતાં ડબલ તો એનું ભાડું ચૂકવ્યું

08 December, 2022 07:55 AM IST  |  Mumbai | Dipti Singh

43.57 - આટલા લાખ રૂપિયા ભાડું ઑક્ટોબર ૨૦૧૯થી જૂન ૨૦૨૧ સુધીમાં મુંબઈ યુનિવર્સિટીએ એસી માટે ચૂકવ્યું

યુનિવર્સિટીના આ બિલ્ડિંગ માટે એસી ભાડે લેવાયાં. તસવીર: શાદાબ ખાન

મુંબઈ : મુંબઈ યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટીએ ઑક્ટોબર ૨૦૧૯થી જૂન ૨૦૨૧ના ૨૧ મહિનાના ગાળા માટે એના કાલિના કૅમ્પસના બિલ્ડિંગ માટે ભાડે લીધેલાં ૩૩ ઍરકન્ડિશનર્સ માટે ૪૩.૫૭ લાખ રૂપિયા ખર્ચ્યા છે. આનાથી અડધી કિંમતે આટલાં એસી ખરીદી શકાયાં હોત. કેટલાક સ્ટુડન્ટ્સ અને એલ્યુમ્નાઈએ આ અંગે આરટીઆઇ હેઠળ અરજી દાખલ કરતાં આ માહિતી મળી હતી.

આરટીઆઇમાં આપવામાં આવેલી વિગતો અનુસાર મુંબઈ યુનિવર્સિટીનું મૅનેજમેન્ટ પ્રત્યેક એસી માટે ચેમ્બુરની નેચમો  સેલ્સને દર મહિને છ હજાર રૂપિયાનું ભાડું ચૂકવે છે. આ વ્યવસ્થા છેલ્લાં સાત વર્ષથી ચાલી રહી છે.

આરટીઆઇ ઍક્ટ હેઠળે અરજી દાખલ કરનાર યુનિવર્સિટીના ભૂતપૂર્વ સ્ટુડન્ટ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના મુંબઈના પ્રેસિડન્ટ આશિષ દ્વિવેદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને મળેલી માહિતી અનુસાર સંજય દેશમુખ વાઇસ ચાન્સેલર હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૧૬-’૧૭ના શૈક્ષણિક વર્ષમાં એસી ભાડે લેવાયાં હતાં. મેં સાંભળ્યું કે આ કૉન્ટ્રૅક્ટ હજીયે ચાલુ છે. આથી મેં આરટીઆઇ હેઠળ અરજી કરી હતી. મને એ જાણીને આંચકો લાગ્યો કે ભાડાનું બિલ પહેલી ઑક્ટોબર ૨૦૧૯થી ૩૦ જૂન ૨૦૨૧ સુધીનું હતું. એનો અર્થ એ કે કોરોનાકાળમાં જ્યારે કૅમ્પસ લગભગ ખાલીખમ હતું ત્યારે પણ યુનિવર્સિટી પાસેથી ભાડું વસૂલ કરવામાં આવ્યું હતું. આ બધા વ્યવહારો કોઈ જોઈ રહ્યું છે કે નહીં કે પછી કોઈ ઇરાદાપૂર્વક આ વ્યવહારો ચલાવી રહ્યું છે? મને આમાં કૌભાંડની ગંધ આવી રહી છે. જો બે ટન એસીની કિંમત ૬૦,૦૦૦ રૂપિયા ગણીએ તો ૩૩ એસીની કિંમત ૧૯,૮૦,૦૦૦ રૂપિયા થાય, પણ યુનિવર્સિટીએ આટલાં એસી માટે ૨૧ મહિનામાં ૪૩,૫૭,૩૮૬ રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું.’

આ મામલે ઘણા પ્રયત્નો કરવા છતાં મુંબઈ યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર ડૉક્ટર અજય ભામરે અને ડેપ્યુટી રજિસ્ટ્રાર - પબ્લિક રિલેશન્સનો સંપર્ક સાધી શકાયો નહોતો.
યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રો-વાઇસ ચાન્સેલર એ. ડી. સાવંતે જણાવ્યું હતું કે ‘આ અંગે રાજ્યસ્તરીય ઑડિટ હાથ ધરવામાં આવે એવું મારું સૂચન છે. આ માટે ટ્રેઝર ઑડિટરની નિયુક્તિ થવી જોઈએ. આ વ્યવહારોથી કોઈને લાભ થયો હોય એવું લાગી રહ્યું છે, જેની તપાસ થવી જરૂરી છે.’

બોરીવલીના એસી રીટેલર નામદેવ દળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુનિવર્સિટીએ ભાડાપેટે એસી લઈને અઢળક નાણાં ખર્ચ્યાં છે. એને બદલે તેઓ નવાં એસી ખરીદી શક્યા હોત, જેમાં દરેક એસી પર તેમને એક વર્ષની ફ્રી સર્વિસ તથા પાંચ વર્ષની કૉમ્પ્રેસર વૉરન્ટી મળી હોત. ઇન્વર્ટર ખરીદવાથી દસ વર્ષની વૉરન્ટી મળે છે. વળી એક કરતાં વધુ એસી ખરીદવાથી ડિસ્કાઉન્ટ પણ સારુંએવું મળી રહે છે. લાંબા સમય સુધી એસી ભાડે લેવાં એ ભૂલભરેલો નિર્ણય છે.’

mumbai mumbai news mumbai university