મુંબઈઃબે સિગ્નલ વચ્ચેના મિસમૅનેજમેન્ટને કારણે પરેશાન થાય છે વાહનચાલકો

15 February, 2019 09:40 AM IST  |  દહીંસર | પૂજા ધોડપકર

મુંબઈઃબે સિગ્નલ વચ્ચેના મિસમૅનેજમેન્ટને કારણે પરેશાન થાય છે વાહનચાલકો

બે સિગ્નલના ટાઈમિંગમાં છે 10 સેકન્ડનો ફરક

દહિસર (પૂર્વ)માં આવેલાં બે જુદાં-જુદાં ટ્રાફિક સિગ્નલના સમયમાં ૧૦ સેકન્ડનો તફાવત જોવા મળી રહ્યો છે. સિગ્નલના અલગ-અલગ સંકેતોને કારણે વાહનચાલકોમાં મૂંઝવણ સર્જાઈ રહી છે અને આ તફાવત ક્યારેક કોઈ મોટા અકસ્માતનું કારણ પણ બની શકે છે. આર્યની વાત એ છે કે અહીં ઊભા રહેતા ટ્રાફિક-પોલીસના અધિકારીઓને સિગ્નલના ટાઇમિંગમાં જે ગરબડ થઈ છે એ વિશે કોઈ જ જાણકારી નથી. અહીં ઘણી વખત ટ્રાફિક સિગ્નલ પર કોઈ પોલીસ ઊભા નથી રહેતા.

છેલ્લા બે મહિનાથી બન્ને સિગ્નલોના સમયમાં ૧૦ સેકન્ડનો તફાવત જોવા મળી રહ્યો છે એમ જણાવતાં દહિસરના રહેવાસી રાજેશ પંડ્યાએ કહ્યું હતું કે ‘દહિસર (ઈસ્ટ)માં આનંદ નગરના મુખ્ય જંક્શન ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા સિગ્નલ પર ૩૦ સેકન્ડ પછી થોભવા માટે લાલ સંકેત આવે છે જ્યારે એ જ સમયે મંદિરની લાઇનમાં થોડા અંતરે આવેલા શિવાલય બિલ્ડિંગ પાસેના ઊંચા સિગ્નલ પર ૯ સેકન્ડ સુધી જવા માટે ગ્રીન સિગ્નલ દર્શાવાય છે. દહિસર (પૂર્વ)થી આનંદ નગર તરફ છત્રપતિ શિવાજી ઉડાણ પુલ પરથી આવતા વાહનચાલકોએ કયા સંકેતનું પાલન કરવું એ સમજાતું નથી. બન્ને સિગ્નલ પર સંકેતની સમયમર્યાદા ટ્રાફિક-વિભાગે સરખી રાખવી જોઈએ, જેથી ચાર રસ્તા ક્રૉસ કરતા રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવાનો વારો ન આવે.’

દહિસર પોલીસ-સ્ટેશનની એક વૅન અને બે પોલીસ-જવાન સિગ્નલ પર રોજ ઊભા રહે છે છતાં તેમનું ધ્યાન હજી સુધી સિગ્નલોના આ ગૂંચવાડા તરફ કેમ નથી ગયું આ પ્રશ્ન પહેલો ઉદ્ભવે છે.

આ પણ વાંચોઃ મુંબઈ, પુણે અને નાશિકમાં આચારસંહિતા પહેલાં મ્હાડાનાં ઘરોની લૉટરી કઢાશે

અત્યારે તો આ વિશે મારી પાસે કોઈ જાણકારી નથી એમ જણાવતા નૉર્થ ઝોનના અસિસ્ટન્ટ ટ્રાફિક પોલીસ-કમિશનર સુનીલ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ‘અને હજી સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી, પણ આવતી કાલે દહિસર ટ્રાફિક-પોલીસ સાથે વાત કરી બન્ને સિગ્નલ દુરસ્ત કરાવી લઈશું.’

mumbai news dahisar