ભિવંડી મકાન દુર્ઘટનામાં બે સરકારી અધિકારી સસ્પેન્ડ

23 September, 2020 11:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ભિવંડી મકાન દુર્ઘટનામાં બે સરકારી અધિકારી સસ્પેન્ડ

ભિવંડી મકાન દુર્ઘટના

ભિવંડીમાં સોમવારે પરોઢિયે તૂટી પડેલી જિલાની ઇમારત દુર્ઘટનામાં મરણાંક વધીને ૨૫ થયો છે એ જ રીતે ઘાયલોની સંખ્યા પણ ૨૫ પર પહોંચી છે. આ કેસ સંદર્ભે ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. પકંજ આશિયાએ પ્રભાગ સમિતિ-૩ના ડેપ્યુટી કમિશનર સુદામ જાધવ અને એન્જિનિયર દુધનાથ યાદવને સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહીં એડિશનલ કમિશનર ઓમપ્રકાશ દિવટેના વડપણ હેઠળ ૪ સદસ્યોની કમિટી બનાવી દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા સમિતિ બનાવી છે.

જિલાની બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ આવાં જ બે અન્ય જોખમી મકાનો પણ સોમવારે રાતે સાવચેતીની દૃષ્ટિએ ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાએ ખાલી કરાવ્યા હતા. સ્થાનિક વૉર્ડ સુપરિન્ટેન્ડેન્ટ લક્ષ્મણ કોકણીએ કહ્યું હતું કે એ બન્ને મકાનો ગ્રાઉન્ડ + ૩ માળના હતા. ૧૩ ભાડૂઆતોના એ મકાનમાં ૨૫-૩૦ જેટલા લોકો રહેતા હતા. એ મકાનો પણ જર્જરિત થઈ જતાં પાલિકાએ તેમને ખાલી કરવા નોટિસ પણ આપી હતી.

જિલાની ઇમારત ગમે ત્યારે તૂટી પડી શકે એમ છે એ તેના રહેવાસીઓઓ જાણતા હતા. મૂળમાં ભોંયતળિયે પહેલાં પાવરલૂમનું ગેરકાયદે કારખાનું હતું. એના સતત ઝટકાના કારણે પહેલેથી જ ઇમારતને નુકસાન થયું હતું. પછી એ કારખાનું બંધ થઈ ગયું હતું. એ પછી એ અવાવરુ જગ્યામાં પાણી ભરાતું હતું જેના કારણે પાયો નમી ગયો હતો. ફેબ્રુઆરી મહિનામાં જ પાલિકા દ્વારા નોટિસ અપાઈ હતી પણ એ પછી કોરોનાની મહામારી શરૂ થતાં લોકો સ્થળાંતર કરી શક્યા નહોતા.

bhiwandi mumbai mumbai news