મધ્ય રેલવેમાં ટ્રેન પાટા પરથી ઊતરી જવાની બે ઘટના, કોઈ જાનહાનિ નહીં

20 September, 2020 10:45 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મધ્ય રેલવેમાં ટ્રેન પાટા પરથી ઊતરી જવાની બે ઘટના, કોઈ જાનહાનિ નહીં

કલ્યાણ-કસારા સેક્શનમાં (જમણે) લોકલ ટ્રેન અને ગુડ્ઝ ટ્રેન

મધ્ય રેલવેમાં ગઈ કાલે બનેલી બે જુદી-જુદી ઘટનામાં પરાની એક લોકલ ટ્રેન તેમ જ ગુડ્ઝ ટ્રેન એન્જિન પાટા પરથી ઊતરી જતાં હંગામી ધોરણે રેલવ્યવહાર ખોરવાયો હતો. જોકે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

ગુડ્ઝ ટ્રેન શુક્રવારે રાત્રે જાસન નજીક બોલ્ડર સાથે ટકરાઈને પાટા પરથી ઊતરી ગઈ હતી, જ્યારે કે કલ્યાણ-કસારા સેક્શનમાં આટગાંવ સ્ટેશન નજીક પરાની લોકલ ટ્રેન શનિવારે સવારે પાટા પરથી ઊતરી ગઈ હતી. બન્નેને ઘટનામાં ટૂંક સમયમાં રેલવ્યવહાર પૂર્વવત્ શરૂ કરી શકાયો હતો.

મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે બન્ને ઘટનાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ગુડ્ઝ ટ્રેનનું એન્જિન બોલ્ડર સાથે ટકરાવાની ઘટના શુક્રવારે રાત્રે સાડાદસ વાગ્યે પનવેલ નજીક જેએનપીટીની ફ્રેઇટ લાઇન પર થઈ હતી, જ્યારે કે લોકલ ટ્રેનનો એક કોચ ગઈ કાલે સવારે ૭.૨૮ વાગ્યે પાટા પરથી ઊતરી ગયો હતો તથા ૧૦.૩૮ વાગ્યા સુધીમાં રેલવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ટ્રેનવ્યવહાર સામાન્ય કરવા ઇગતપુરી અને કલ્યાણથી બ્રેકડાઉન ટ્રેન તેમ જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ દુર્ઘટનાને કારણે મુંબઈ સીએસએમટીથી આવતી ડાઉન લાઇનનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. ટ્રેન પાટા પરથી ઊતરી જવાની દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

mumbai mumbai news central railway indian railways kalyan rajendra aklekar