પ્રવાસીઓને હવે મળશે થર્ડ એસી કોચમાં સગવડ અને સ્ટાઇલનો સુપર્બ સમન્વય

07 June, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોની સફર આરામદાયક બને એ માટે લાંબા અંતરની ટ્રેનોના એસી-૩ ટિયરના નવા કોચમાં રેલવેએ કર્યા મહત્ત્વના ચેન્જિસ

હાલ મુંબઈમાં દુરૉન્તો ટ્રેનમાં આ કોચ લગાડવામાં આવશે. 

લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસનો સમય વધુ હોય છે એટલે પ્રવાસીઓની સફર આરામદાયક બને એ માટે રેલવે દ્વારા સમયાંતરે ચેન્જિસ કરવામાં આવતા હોય છે. જોકે આ વખતે મુંબઈની લાંબા અંતરની ટ્રેનોના એસી-૩ ટિયરના કોચમાં બહુ જ સારી સગવડ કરવામાં આવી છે. એમાં સેફ્ટી સાથે સ્ટાઇલનું સરસ કૉમ્બિનેશન કરવામાં આવ્યું છે એટલું જ નહીં, પહેલા એક કોચમાં ૭૨ બર્થ રહેતી એ હવે વધારીને ૮૩ કરવામાં આવી છે. હાલ મુંબઈમાં દુરૉન્તો ટ્રેનમાં આ કોચ લગાડવામાં આવશે. 

એસી-૩ ટિયરના આ કોચ તૈયાર કરનાર ધ રેલવે કોચ ફૅક્ટરી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આ નવા કોચમાં દરેક બર્થ માટે સૅપરેટ એસી ડક્ટ લગાડવામાં આવ્યું છે. વળી દરેક બર્થ માટે સૅપરેટ મોબાઇલ ચાર્જિંગ પૉઇન્ટ અને રીડિંગ લાઇટ લગાવવામાં આવી છે. વચલી અને ઉપરની બર્થ પર ચડવા માટે પહેલાં લોખંડના ગોળ સળિયાની ચોરસ અરેન્જમેન્ટ રહેતી હતી. એની જગ્યાએ સ્ટીલના ચમકદાર અને સ્મૂથ એજ કરેલા પહોળી પટ્ટીના ચોરસની ગોઠવણ કરવામાં આવી છે. એનાથી ઉપર ચડવામાં અને ઊતરવામાં વધુ સુગમતા રહેશે. ઉપરાંત ટૂ ટોન ધરાવતી ઍર્ગોનોમિકલી મૉડ્યુલર બર્થ પણ પ્રવાસીઓને પસંદ પડશે. સામસામી બે બર્થ વચ્ચે અને સામેની સાઇડ બે સિંગલ બર્થ વચ્ચે પણ સ્લિક ફોલ્ડિંગ ટેબલ આપવામાં આવ્યું છે. રાતના સમયે મોટા ભાગના પ્રવાસીઓ સૂતા હોય અને મુખ્ય લાઇટો બંધ હોય ત્યારે પ્રવાસીઓને પોતાની બર્થ શોધવામાં આસાની રહે એ માટે બર્થ નંબરનાં ઇન્ડિકેટર્સ ચળકતાં રાખવામાં આવ્યાં છે અને અંદર ફિટ કરેલી નાઇટ લાઇટ સાથેનાં ઇન્ડિકેટર્સ પણ રાખવામાં આવ્યાં છે. એ ઉપરાંત વૉટર બૉટલ હોલ્ડરની સાથે મોબાઇલ હોલ્ડર અને મૅગેઝિન હોલ્ડરની પણ સુવિધા આપવામાં આવી છે. આમ નાની-નાની અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 

એ સિવાય ઇલેક્ટ્રિક પૅનલનો ડબ્બો જે પહેલાં દરવાજા પાસે રહેતો હતો એને હવે કોચની ફ્રેમની અંદરની તરફ સમાવી લેવાયો છે. ઇન્ડિયન રેલવેમાં પહેલી વાર આવો ચેન્જ કરાયો છે. એને કારણે કેટલીક જગ્યા ફાજલ મળી હતી એમાં વધુ બર્થ બેસાડવામાં આવી છે. પહેલાં એસી-૩ ટિયરના એક કોચમાં ૭૨ બર્થ હતી. એની સામે હવે ૮૩ બર્થનો સમાવેશ કરી શકાયો છે. એટલું જ નહીં, કોચના ૪ દરવાજામાંથી એક દરવાજો પહોળો રાખવામાં આવ્યો છે જેથી શારિરીક રીતે અક્ષમ લોકોને ચડવા-ઊતરવામાં સુગમતા રહે. એ જ રીતે એક-એક ઇન્ડિયન અને વેસ્ટર્ન ટૉઇલેટનો દરવાજો પણ પહોળો રાખવામાં આવ્યો છે જેથી શારિરીક રીતે અક્ષમ લોકોને એનો ઉપયોગ કરવામાં આસાની રહે. વળી ટૉઇલેટમાં અન્ય કેટલાક ચેન્જિસ કરાયા છે. 

રેલ કોચ ફૅક્ટરી દ્વારા હાલ પહેલા બૅચમાં કુલ ૪૬ કોચ બનાવવામાં આવશે. એમાંથી ૧૭ કોચ મુંબઈને મોકલવામાં આવશે. ૧૫ કોચ ઑલરેડી બની ગયા છે. એમાંથી ૮ કોચની ડિલિવરી મુંબઈ (વેસ્ટર્ન રેલવે)ને કરી દેવાઈ છે જે ટૂંક સમયમાં મુંબઈ આવી પહોંચશે. ૭ કોચ નૉર્થ સેન્ટ્રલ રેલવેને અપાયા છે. એક વર્ષમાં આવા ૨૪૮ કોચ તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.  

પ્રવાસીઓની સુરક્ષાનાં ખાસ પગલાં
 ધ રેલ કોચ ફૅક્ટરીના મુખ્ય પ્રવક્તા જિતેશકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇલેક્ટ્રિક પૅનલ પહેલાં કોચમાં દરવાજા પાસે રહેતી હતી એને કોચની નીચે બેસાડવામાં આવી છે જેથી પ્રવાસીઓ એના સીધા સંપર્કમાં ન આવે અને આગ લાગવાની શક્યતા ઘટી જાય. જો કોચમાં આગ લાગે તો પહેલાંની બર્થના મટીરિયલમાંથી ટૉક્સિક ગૅસ નીકળતો હતો અને એ શ્વાસમાં જવાથી લોકોને ગૂંગળામણ થતી હતી. એસી-૩ ટિયરના કોચમાં નખાયેલી બર્થમાં એવું મટીરિયલ વપરાયું છે કે એમાંથી ટૉક્સિક ગૅસ ન નીકળે.’

mumbai mumbai news maharashtra indian railways