વિરારના ગુજરાતી પરિવારની ટ્રેજેડી : બે કલાકમાં માતા-પુત્ર મૃત્યુ પામ્યા

04 July, 2020 07:20 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

વિરારના ગુજરાતી પરિવારની ટ્રેજેડી : બે કલાકમાં માતા-પુત્ર મૃત્યુ પામ્યા

માત્ર બે કલાકમાં મૃત્યુ પામનારાં માતા પ્રતિભાબહેન અને પુત્ર જિગર પંડ્યા.

વિરાર (ઈસ્ટ)માં વી. એસ. રોડ પરના ગોપચરપાડામાં આવેલી સોસાયટીમાં રહેતા ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં માત્ર બે કલાકના સમયમાં માતા-પુત્રનાં મૃત્યુ થવાની કરુણ ઘટના બની હતી. ૭૬ વર્ષનાં માતા અને ૫૧ વર્ષના પુત્રને કોઈ બીમારી નહોતી. માતા-પુત્રના અવસાનના સમાચારથી આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળેલી માહિતી મુજબ વિરારના ગોપચરપાડામાં આવેલા ગોદાવરી અપાર્ટમેન્ટમાં ૨૦૭ નંબરના ફ્લૅટમાં પંડ્યાપરિવાર રહે છે. ૭૬ વર્ષનાં પ્રતિભાબહેન પંડ્યા ૫૧ વર્ષના પુત્ર જિગર, પુત્રવધૂ સંતોષી તથા બે પૌત્ર-પૌત્રી સાથે રહેતાં હતાં. પ્રતિભાબહેનને બે દિવસ પહેલાં મોડી રાત્રે ૩.૩૦ વાગ્યે હાર્ટ-અટૅક આવતાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં. માતાનું અચાનક અવસાન થતાં ભાંગી પડેલા જિગરને પણ સવારે ૫.૩૦ વાગ્યે જીવલેણ હાર્ટ-અટૅક આવતાં તે પણ ઢળી પડ્યો હતો.

ગોપચરપાડામાં દુકાન ધરાવતા પ્રવીણ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે જ્યારે માતા-પુત્રનાં મૃત્યુના સમાચાર જાણવા મળ્યા ત્યારે આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. શબવાહિનીમાં બન્નેના મૃતદેહને લઈ જવાયા હતા ત્યારે આ કરુણ દૃશ્ય જોઈને આસપાસ હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયાં હતાં.’

મરનાર જિગરનાં પત્ની સંતોષી પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાસુ પ્રતિભાબહેન ૭૬ વર્ષનાં હોવા છતાં તેમને કોઈ બીમારી નહોતી. મોડી રાત્રે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને ગણતરીની મિનિટમાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા. મમ્મીને મૃત્યુ પામેલાં જોઈને જિગરને ભારે આઘાત લાગ્યો હતો. થોડા સમય બાદ તેમને પણ છાતીમાં ભારે દુખાવો થયો હતો. અમે તેમને હૉસ્પિટલમાં લઈ જઈએ એ પહેલાં તેમનું પણ અવસાન થયું હતું. જિગર અંધેરીમાં એક કંપનીમાં કામ કરતા હતા. લૉકડાઉન બાદથી તેઓ ઘરેથી જ કમ્પ્યુટર પર ઑનલાઇન કામ કરતા હતા. ઘરમાં કમાનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. જિગર એકદમ તંદુરસ્ત હતા. સસરાનું તો ૧૫ વર્ષ પહેલાં જ મૃત્યુ થયું છે. જિગરના જવાથી મારા સહિત અમારી ૧૨ વર્ષની પુત્રી અને પુત્ર નોધારાં બની ગયાં છીએ.’

પ્રતિભાબહેન અને પુત્ર જિગરનાં મૃત્યુ હાર્ટ-અટૅકથી થયાં હોવાનું ડૉક્ટરે સર્ટિફિકેટ આપ્યા બાદ તેમની બપોર બાદ અંતિમક્રિયા કરવામાં આવી હતી.

mumbai mumbai news virar prakash bambhrolia