મુંબઈ : 317 કરોડમાંથી વસૂલાયા ફક્ત 1.12 કરોડ

02 January, 2021 07:01 AM IST  |  Mumbai | Vishal Singh

મુંબઈ : 317 કરોડમાંથી વસૂલાયા ફક્ત 1.12 કરોડ

મુંબઈ ટ્રાફિક પોલીસ

વાહનવ્યવહાર અને માર્ગ સુરક્ષાના નિયમોનો ભંગ કરનારા જે લોકોને ઈ-ચલાન મોકલાયાં હતાં તેમની પાસેથી દંડની વસૂલાતમાં કૉલ સેન્ટરની પદ્ધતિને નોંધપાત્ર સફળતા મળી છે. કૉલ સેન્ટરના એક્ઝિક્યુટિવ્ઝને દંડ ચૂકવવા બાબતે ઘણા લોકો પાસેથી ગલ્લાંતલ્લાં અને બહાનાં સાંભળવા ઉપરાંત દંડની વસૂલાતમાં પણ સફળતા મળી હતી. છેલ્લા ૨૪ દિવસમાં ટ્રાફિક પોલીસના કૉલ સેન્ટરે ઈ-ચલાન ઇશ્યુ કરેલા લોકો પાસેથી ૧,૧૨,૨૨,૨૫૦ રૂપિયા દંડરૂપે વસૂલ્યા હતા.

ટ્રાફિક તથા માર્ગ સુરક્ષાના નિયમો અને કાયદા તોડનારાઓ પાસેથી દંડ વસૂલવા માટે ગઈ ૭ ડિસેમ્બરે કૉલ સેન્ટર શરૂ કરાયું હતું. ૨૯ લાખ ઈ-ચલાનના અનુસંધાનમાં કુલ ૩૧૭ કરોડ રૂપિયા લેણા નીકળતા હતા એમાંથી ૧,૧૨,૨૨,૨૫૦ રૂપિયા દંડરૂપે વસૂલવામાં તેમને સફળતા મળી છે. કાર્યપદ્ધતિમાં પારદર્શકતાના ઉદ્દેશથી ચાર વર્ષથી ટ્રાફિક તથા માર્ગ સુરક્ષાના નિયમો અને કાયદાનો ભંગ કરનારાઓને ઈ-ચલાન આપવામાં આવે છે.

નિયમો અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી માટે ટ્રાફિક પોલીસને કૅમેરા અને હૅન્ડહેલ્ડ ડિવાઇસ પણ આપવામાં આવ્યાં છે. તેઓ અપરાધીઓને તેમના મોબાઇલ ફોન પર ઈ-ચલાન મોકલે છે. જોકે ઈ-ચલાન અને કૉલ સેન્ટરની પદ્ધતિથી કાર્યવાહીમાં મર્યાદિત સફળતા મળી છે. જોકે જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ યશસ્વી યાદવને કૉલ સેન્ટરનું માધ્યમ આશાસ્પદ જણાયું છે. કૉલ સેન્ટરના ૨૪ કર્મચારીઓએ ૪૬૦૦ લોકોનો સંપર્ક સાધ્યો હતો. અગાઉ કૉલ સેન્ટરના કર્મચારીઓને ઈ-ચલાન અપાયેલા લોકો તરફથી હું મુંબઈમાં નથી, મારી નોકરી નથી, મેં વાહન વેચી દીધું છે વગેરે બહાનાં સાંભળવા મળતાં હતાં.

mumbai mumbai news mumbai traffic mumbai police vishal singh