અમારી સીઝન આવી છે, અમે બંધ નહીં રાખીએ: APMC માર્કેટના વેપારીઓ

18 March, 2020 11:53 AM IST  |  Mumbai | Jaydeep Gatrana

અમારી સીઝન આવી છે, અમે બંધ નહીં રાખીએ: APMC માર્કેટના વેપારીઓ

APMC માર્કેટ

એપીએમસી માર્કેટને પણ એક કે બે દિવસ માટે સાફસફાઈ કરવા માટે બંધ રાખવી જોઈએ એ માટે એપીએમસીના સેક્રેટરીએ વિવિધ માર્કેટના વેપારી પ્રતિનિધિમંડળોની મીટિંગ બોલાવી હતી. જોકે આ મીટિંગની શરૂઆત થતાં જ વેપારીઓએ બંધ રાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો. બંધનો વિરોધ કરતાં વેપારી પ્રતિનિધિમંડળોએ કહ્યું હતું કે વર્ષમાં એક જ વાર સીઝન આવે છે, જેને અમે ગુમાવવા નથી માગતા.

કોરોના વાઇરસનો સામનો કરવા માટે એપીએમસીની શાકભાજી અને ફ્રૂટ માર્કેટે અઠવાડિયાના ગુરુવાર અને રવિવાર બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. એના અનુસંધાનમાં એપીએમએસીની અન્ય માર્કેટ અનાજ, ગ્રોમા, સાકર, ગોળ, મસાલા અને કરિયાણાને બંધ રાખવી કે નહીં તેનો નિર્ણય લેવા માટે ગઈ કાલે મીટિંગ બોલાવવામાં આવી હતી. દરેક માર્કેટના વેપારી પ્રતિનિધિઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. એપીએમસીના સેક્રેટરી અનિલ ચવ્હાણે માર્કેટને બંધ રાખવી કે નહીં એ માટે બોલવાનું શરૂ કર્યું એ પહેલાં જ વેપારીઓએ તેનો વિરોધ કર્યો હતો.

નવી મુંબઈ કૉમોડિટી બ્રોકર્સ અૅન્ડ ટ્રેડર્સ વેલફેર એસો.ના અધ્યક્ષ અરુણ ભીંડેએ ‘મિડે-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓ વર્ષમાં એક જ વાર વેપારધંધો કરતા હોય છે. સફાઈને નામે માર્કેટો બંધ રાખવાની વાત ખોટી છે. રવિવારે આમ પણ માર્કેટો બંધ રહેતી હોય છે તો કેમ સફાઈ એ દિવસે ન થાય. ખરેખર તો વાઇરસનો સામનો કેવી રીતે કરાય તેનો ઉપાય શોધવો જોઈએ. માર્કેટમાં સફાઈ એવી રીતે થવી જોઈએ કે ગંદકી જ ન થાય. જોકે અમે ગેટ ઉપર માસ્ક આપવાનું શરૂ કરીશું અને ચોખ્ખા હાથ રહે એ માટે સેનેટાઈઝરનો વપરાશ પણ શરૂ કરાવીશું.’

મુંબઈ શહેરના અનાજ-કરિયાણાનો રિટેલ વેપાર કરતા દુકાનદારોનું પ્રતિનિધિત્વ કરતી સૌથી જૂની સંસ્થા ધ મુંબઈ ગ્રેન ડીલર્સ એસો.ના પ્રમુખ રમણીકલાલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલ સવારથી અનાજ-કરિયાણાની બજારો બંધ રહેવાની છે એવા સંદેશા ફરી રહ્યા હતા, જે ખરેખર અફવા હતી. દૂધ, અનાજ, કરિયાણું, દવાઓ એ બધી જીવનજરૂરિયાતની સામગ્રી કહેવાય અને એની રિટેલ કે હોલસેલ બજારને બંધ કરવાનો સરકારનો કોઈ પ્રસ્તાવ નથી. આથી સામાન્ય પ્રજાએ ગભરાવાની કે આ વસ્તુઓનો સ્ટૉક કરી રાખવાની પણ કોઈ જરૂર નથી.’

ગુરુવાર અને રવિવારના બંધને કારણે થઈ રહ્યું છે લાખોનું નુકસાન

ફ્રૂટ અને શાકભાજી માર્કેટની દરરોજ અનુક્રમે ૩૦૦ અને ૫૦૦ ટ્રક માર્કેટમાં આવતી હોય છે. એક ટ્રકમાં ૮ ટન ફ્રૂટ કે શાકભાજી આવતાં હોય છે. ફ્રૂટની સરેરાશ કિંમત ૫૦ રૂપિયા અને શાકભાજીની સરેરાશ કિંમત ૧૫ રૂપિયા માનો તો એક દિવસની નુકસાની લાખો પર થાય છે. આ બે દિવસ માર્કેટ બંધ રાખવામાં આવતાં લાખો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે, પણ હાલની સ્થિતિમાં વેપારીઓ નુકસાન ભોગવવા તૈયાર છે, એવું સંજય પાનસરેએ જણાવ્યું હતું.

vashi apmc market mumbai mumbai news jaydeep ganatra