મુંબઈ : નવા ટૅક્સ ટ્રેડ લાઇસન્સ ફીમાં વેપારીઓને મળ્યો સ્ટે

05 March, 2021 08:33 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : નવા ટૅક્સ ટ્રેડ લાઇસન્સ ફીમાં વેપારીઓને મળ્યો સ્ટે

ફાઈલ તસવીર

વસઈ-વિરાર મહાનગરપાલિકા દ્વારા ઉત્પન્ન વધારવાની દૃષ્ટિએ ‘ટ્રેડ લાઇસન્સ’ ફી નામનો નવો ટૅક્સ વેપારીઓના માથે લાદવામાં આવ્યો છે. જોકે આખા વસઈ તાલુકાના વેપારી વર્ગે આ નવો ટૅક્સ અન્યાયકારક હોવાનું ગણાવીને એનો સખત રીતે વિરોધ દાખવ્યો હતો. વિરોધને ચાલતે મહાપાલિકાએ ‘ટ્રેડ લાઇસન્સ’ ફીમાં ૫૦ ટકાનો કાપ મૂક્યો હતો. જોકે આ ટૅક્સ વસઈ તાલુકાના ઉદ્યોગજગત માટે મૃત્યુઘંટ છે અને ભ્રષ્ટાચારને વેગ આપનારો ટૅક્સ હોવાથી એને રદ કરવાની તમામ સ્તરે માગણી કરવામાં આવી હતી. એમ છતાં, વહીવટતંત્ર એને રદ કરવા તૈયાર જ નહોતું. એથી વેપારી વર્ગે આ ટૅક્સના વિરોધમાં કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. વેપારી વર્ગ દ્વારા આ મુદ્દે ફાઇલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણીમાં કોર્ટે દોઢ મહિના એટલે કે છ અઠવાડિયાં માટેનો સ્ટે આપ્યો છે અને પ્રશાસન પાસે જવાબ માગ્યો છે.

વસઈ તાલુકા કો-ઑપરેટિવ અસોસિએશન, વસઈ ઇન્ડસ્ટ્રિયલ મૅન્યુફૅક્ચરર્સ વેલ્ફેર અસોસિએશન (વીમા), વસઈ ક્લૉથ ઍન્ડ જનરલ વ્યાપારી વેલ્ફેર અસોસિએશન એમ વસઈ તાલુકાનાં વિવિધ અસોસિએશને મળીને આ ટૅક્સ વિરુદ્ધમાં કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ વિશે માહિતી આપતાં વીમાના પ્રેસિડન્ટ અજય મોદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લા ઘણા વખતથી અમે વસઈ-વિરાર મહાપાલિકાને આ અન્યાયકારક ટૅક્સને રદ કરવાની માગણી કરી રહ્યા છીએ, પરંતુ એ વિશે પ્રશાસન તૈયાર જ નહોતું. એથી આ અન્યાય સામે લડત કરવા અમે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. ૧૯૯૪-’૯૫માં મહારાષ્ટ્રની ૧૫ ‘ડ’ વર્ગની નગરપરિષદમાંથી ઑક્ટ્રૉય નાબૂદ કરાયો હતો. એ બાદ ૨૦૧૦માં એલબીટી લાગુ કરાયો હતો અને ૨૦૧૫માં એ પણ નાબૂદ કરાયો હતો. પ્રશાસન વિવિધ ટૅક્સ તો લઈ જ રહ્યું હતું અને એમાં પ્રૉપર્ટી ટૅક્સ અને અન્ય ટૅક્સ પર પ્રશાસન કામ સ્મૂધલી કરી રહ્યું હતું. જો એટલાં વર્ષ વહીવટીતંત્ર પાસે ફંડ હતું અને સ્મૂધલી કામ કરી રહ્યું હતું તો હવે કેમ આવા નવા ટૅક્સ લાદીને વેપારીઓ પાસે પૈસા વસૂલવા માગે છે? ૨૦૧૯-’૨૦માં ૩૦૦ ટકા પ્રૉપર્ટી ટૅક્સ પણ વધારવામાં આવ્યો, એનો પણ વિરોધ કરાયો હતો. આવી દલીલો કર્યા બાદ કોર્ટે છ અઠવાડિયાંનો સ્ટે આપીને મહાપાલિકા પાસે આ સંદર્ભે જવાબ માગ્યો છે. નવો ટૅક્સ ભ્રષ્ટાચારને નિમંત્રણ આપશે. આ ભ્રષ્ટાચારનો ટૅક્સ છે એથી એને રદ કરવો જરૂરી છે.’

વિરારની જનતા બજારના હિરેન વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બજારમાં તેજી ન હોવાથી તમામ ક્ષેત્રના વેપારીઓ પોતાનો ધંધો જેમ-તેમ ચલાવે છે. એમાં પણ લૉકડાઉન જાહેર કરાતાં અને કોવિડના કારણે રીટેલ વેપારીઓનો આકરો સમય ચાલી રહ્યો છે. પહેલાંથી વેપારીઓ અનેક ટૅક્સ, લાઇસન્સ ફી ભરે છે. ગુમાસતા લાઇસન્સ ફી, પ્રૉપર્ટી ટૅક્સ, જીએસટી જેવા અનેક ટૅક્સ ભરીએ છીએ. આવા સંજોગોમાં ટ્રેડ લાઇસન્સ લાગુ કરવો વેપારીઓ પર અન્યાયકારક છે. આ લાઇસન્સ લાગુ કરવો એટલે દર વર્ષે તમને ટ્રેડ લાઇસન્સ ટૅક્સ ભરવો પડશે. તમે ટ્રેડ કરો છો એટલે દર વર્ષે એનું લાઇસન્સ રિન્યુ કરવું પડશે. વેપારીઓને સરકારે કોઈ રાહત આપી નથી ઊલટાનું આવા ટૅક્સ લાગુ કરીને વેપારીઓના પેટ પર પાટું મારવા જેવું કામ કરી રહી છે. આવી પરિસ્થિતિમાં વેપારીઓ વેપાર કરે કે આવા ટૅક્સની સામે લડત કરતા રહે?’

નવો ટૅક્સ છે શું?

આ નવો ટ્રેડ લાઇસન્સ ટૅક્સ વેપારીઓની દુકાનના પ્રત્યેક ચોરસફુટ પ્રમાણે વસૂલવામાં આવશે. પહેલાં ૧થી ૧૦૦ ચોરસફુટનો ૧૫૦૦ રૂપિયા ટૅક્સ લેવાતો હતો, પરંતુ વિરોધને પગલે એ જ ટૅક્સ ૭૫૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ અનુસાર જેટલી ચોરસફુટ જગ્યા હશે એ પ્રમાણે ટૅક્સની રકમ વસૂલવામાં આવશે.

વસઈ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ૯થી ૧૦,૦૦૦ની આસપાસ નાની-મોટી ફૅક્ટરી આવેલી છે તેમ જ નાની-મોટી ૪૦,૦૦૦થી વધુ દુકાનો આવેલી છે.

mumbai mumbai news vasai virar