મુંબઈગરાઓ થઈ જાવ તૈયાર: ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પડશે મુશળધાર વરસાદ

30 June, 2020 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈગરાઓ થઈ જાવ તૈયાર: ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પડશે મુશળધાર વરસાદ

તસવીર: પ્રદિપ ધિવાર

ગત અઠવાડિયે મુંબઈગરાંઓએ કાળજાળ ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ આ અઠવાડિયે એવું નહીં થાય. કારણકે ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ'એ આગાહી કરી છે કે, ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.

હવામાન એજન્સી 'સ્કાયમેટ'નું કહેવું છે કે, ઉત્તર કોંકણ અને ગોવામાં થતા ચક્રવાતના પરિભ્રમણને લીધે મુંબઈમાં વરસાદ પડવાની શક્યતા છે. ચક્રવાતના પરિભ્રમણો ધીમે ધીમે ઉત્તર દિશામાં દક્ષિણ ગુજરાત તરફ વળી રહ્યાં હોવાથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે. જેની અસર મુંબઈ અને તેના પાડોશી વિસ્તારો પર થશે. એટલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદ પડશે.

એટલું જ નહીં, હવામાન એજન્સીએ એવી પણ આગાહી કરી છે કે થોડાક વિરામ બાદ સાત જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદ પડશે.

સોમવારે સાંજે મુંબઈમાં વરસાદના ઝાપટા આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારોની તુલનામાં પૂર્વ અને ઉત્તર પરામાં હળવા ઝાપટા વરસ્યા હતા.

mumbai mumbai news mumbai monsoon mumbai rains