મુંબઈ અને થાણે જડબેસલાક બંધ

19 November, 2012 06:55 AM IST  | 

મુંબઈ અને થાણે જડબેસલાક બંધ


રિક્ષા અને ટૅક્સીઓ રસ્તા પર નહોતી. બધી જ દુકાનો, રેસ્ટોરાં, હોટેલો, થિયેટરો, મૉલ જડબેસલાક બંધ રહ્યાં હતાં. પ્રાઇવેટ વાહનચાલકોએ પણ તેમનાં વાહનો લઈને બહાર જવાનું ટાળ્યું હતું. મુંબઈ અને થાણેમાં ઘણી જગ્યાએ જીવનાવશ્યક ગણાતું દૂધ પણ મળ્યું નહોતું. મેડિકલની દુકાનો પણ બંધ રહી હતી. ટ્રાન્સપોર્ટ માટે માત્ર બેસ્ટની બસ અને ટ્રેન દોડી રહી હતી. બેસ્ટ અને રેલવે દ્વારા વધારાની બસ અને ટ્રેન દોડાવવામાં આવી હતી.

બહારગામથી આવતા પ્રવાસીઓએ ટૅક્સી અને રિક્ષા ન મળતાં હેરાનગતિનો ભોગ બનવું પડ્યું હતું. જનરલી બંધમાં અટવાયેલા લોકો રેલવે પરના ટી-સ્ટૉલ ખુલ્લા રહેતા હોવાથી ત્યાં ચા-નાસ્તો કરી શકતા હોય છે, પણ શનિવાર સાંજથી જ તોડફોડને કારણે નુકસાન ન થાય એ બીકે એ પણ બંધ રહેતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.

આજે મુંબઈની સ્કૂલો બંધ રહેશે

શિવસેના-સુપ્રીમો બાળ ઠાકરેના નિધનના શોકમાં આજે મુંબઈની બધી સ્કૂલો બંધ રાખવામાં આવશે. દિવાળીની રજા પૂરી થયા બાદ આજે સ્કૂલ શરૂ થવાનો પહેલો દિવસ હતો, પણ બાળ ઠાકરેના નિધનને કારણે સ્કૂલ બસ અસોસિએશને આજે સ્કૂલ બંધ રાખવાનું જાહેર કર્યું છે. સ્કૂલ સહિત આજે સ્કૂલ-બસો પણ બંધ રાખવાનું એલાન ગઈ કાલે કરવામાં આવ્યું હતું. આવતી કાલે પણ સ્કૂલ ચાલુ રાખવી કે નહીં એ સ્કૂલ-બસ અસોસિએશન આજે નક્કી કરશે. જોકે સ્કૂલ સિવાય બાકીની બધી કૉલેજો આજે ચાલુ રહેશે, પરંતુ લેકચર લેવામાં નહીં આવે.

વાશી માર્કેટમાં માનવતાનાં દર્શન


 બાળ ઠાકરેના નિધનના સમાચાર મળતાં શનિવાર બપોરથી જ બધી માર્કે‍ટો, દુકાનો, હોટેલો અને રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી. નવી મુંબઈના એપીએમસીમાં બહારગામથી માલ લઈને આવેલી ટ્રકના ડ્રાઇવરો અને ક્લીનરોને ખાવાના વાંધા થઈ ગયા હતા. આ વાતની જાણ એપીએમસીના ડિરેક્ટર જયેશ વોરાને થતાં તેમણે ગ્રોમાના પ્રેસિડન્ટ જયંતી રાંભિયાને  કરી હતી. જયંતીભાઈએ કમિટી-મેમ્બર્સને પૂછીને તરત જ તેમને માટે જમવાની વ્યવસ્થા કરી હતી. ગઈ કાલે બપોરે ૫૦૦ જેટલા ડાÿઇવર-ક્લીનરો જમ્યા હતા અને સાંજે ૮૦૦ લોકો માટે જમવાની વ્યવસ્થા ગ્રોમા દ્વારા કરવામાં આવી હતી.

વેપારીઓ-જ્વેલર્સ આજે બંધ પાળશે


શિવસેનાના ચીફ બાળ ઠાકરેનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યનાં વિવિધ વેપારી અસોસિએશનોને સાંકળી લેતા ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્રે (ફામ) આજે વેપારીઓને તેમની દુકાનો અને માર્કે‍ટો બંધ રાખવાની અપીલ કરી છે. આ બાબતે ફામના પ્રેસિડન્ટ મોહન ગુરનાણીએ રાજ્યભરના વેપારીઓ આજે તેમનો કામધંધો બંધ રાખશે એમ જણાવતાં કહ્યું હતું કે ‘રાજ્યે અને વેપારીઓએ તેમનો એક ખરો મિત્ર અને હિતેચ્છુ ગુમાવ્યો છે. બાળાસાહેબ સાચા દેશભક્ત અને મહારાષ્ટ્રના સાચા સપૂત હતા. તેઓ તેમના વિચારો બહુ જ સ્પષ્ટ રીતે, શબ્દો ચોર્યા વગર પ્રદર્શિત કરતા હતા.’

એપીએમસી માર્કે‍ટની દાણાબંદર, સાકર, ડ્રાયફ્રૂટ્સ સહિત મેટલ અને આયર્ન તથા સ્ટીલ માર્કે‍ટ બંધ રહેશે.

સામાન્ય દિવસોમાં રોજનું ૨૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતું ઝવેરીબજાર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા આજે બંધ રહેશે. આ બાબતે મુંબઈ બુલિયન અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ કુમાર જૈને કહ્યું હતું કે મુંબઈના ઝવેરીબજાર સહિત બધા જ રીટેલર, હોલસેલર, જ્વેલર્સ આજે તેમનો ધંધો બંધ રાખશે. ઝવેરીબજારની દુકાનો જનરલી રવિવારે બંધ રહેતી હોય છે એટલે તેમણે બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા આજે બંધનો કૉલ આપ્યો છે.

કેબલ ઑપરેટરોએ માત્ર ન્યુઝ-ચૅનલો ચાલુ રાખી

શનિવારે સાંજે બાળ ઠાકરેના અવસાનની જાહેરાત બાદ તમામ કેબલ ઑપરેટરોએ ન્યુઝચૅનલોને બાદ કરતાં તમામ ચૅનલો બંધ કરી દીધી હતી. આ તેમની શ્રદ્ધાંજલિના પ્રતીકરૂપ હતું. મુંબઈમાં ૧૦ જેટલા કેબલ ઑપરેટરો છે. શનિવારે રાતે આઠ વાગ્યાથી ગઈ કાલે રાત્રે આઠ વાગ્યા સુધી તમામ એન્ટરટેઇનમેન્ટ ચૅનલો બંધ કરવામાં આવી હતી. કેબલ ઑપરેટરોના જણાવ્યા મુજબ સેટ-ટૉપ બૉક્સના મામલે જ્યારે કોઈ તેમને સાથ આપવા તૈયાર નહોતું ત્યારે બાળ ઠાકરેના કારણે તેમને બે મહિનાની વધુ મુદત મળી હતી અને તેમને કારણે જ ગરીબોના ઘરમાં પણ કેબલનું કનેક્શન છે.