આજે ગેટવે ઑફ ઇન્ડિયા ફરવા નહીં પણ ખાવા ચાલો

25 December, 2011 04:50 AM IST  | 

આજે ગેટવે ઑફ ઇન્ડિયા ફરવા નહીં પણ ખાવા ચાલો

સામાન્ય રીતે ફૅમિલી સાથે આ સ્થળે આવતા સહેલાણીઓને સૌથી મોટી તકલીફ ત્યાં કંઈ ખાવાનું નથી મળતું એ પડે છે; પણ આજે તો અહીં દેશી, વિદેશી, બ્રૅન્ડેડ તથા સામાન્ય મળીને ફૂડની અનેક વરાઇટી માટે ૨૦ સ્ટૉલ લાગ્યા છે. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશને (એમટીડીસી) મહારાષ્ટ્ર ટૂરિઝમને પ્રમોટ કરવા માટે પહેલી વાર આવો ઓપન ફૂડ-ફેસ્ટિવલ રાખ્યો છે, જેનું ઉદઘાટન ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે છગન ભુજબળ અને જાણીતા શેફ સંજીવ કપૂરે કર્યું હતું. ફેસ્ટિવલનો ટાઇમ બપોરે ૧૨થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો છે અને એ આજે પૂરો થઈ જશે.

એવું રખે માનતા કે અહીં સબવેની સૅન્ડવિચ અને મૅક્ડોનલ્ડ્સના પીત્ઝા જેવી ચીજો જ મળશે. આજે ઊંધિયું-પૂરીની મોજ માણવાનું વિચાર્યું હશે તો એ પણ અહીં તમને મળશે. રાજસ્થાની-ગુજરાતી ફૂડ માટે જાણીતી હોટેલ રાજધાનીનું ખાણું મળશે. રાજધાનીનાં સ્નૅક્સ ઉપરાંત ઊંધિયું, દાલ-બાટી, ગટ્ટાની સબ્ઝી, ખીચડી-કઢી અને પંચરત્ન પુલાવની જ નહીં; સ્વાતિ સ્નૅક્સની પાણીપૂરી અને ચાટ-આઇટમોની મજા ગેટવે ઑફ ઇન્ડિયાના ખુશનુમા વાતાવરણમાં ઓપનમાં બેસીને માણી શકશો.

આ ફૂડ-ફેસ્ટિવલમાં મૅક્ડોનલ્ડ્સ, સબવે, ફલાફલ્સ, રાજધાની, સ્વાતિ સ્નૅક્સ, મૅડ ઓવર ડોનટ્સ, ફૂડ-બૉક્સ, કૅફે મોકા જેવી જાણીતી ફૂડ-ચેઇનનાં મુંબઈમાં મળતાં ફૂડ ઉપરાંત નૂર મોહમ્મદી હોટેલનું નૉન-વેજ ખાણું અને મહારાષ્ટ્રિયન ફૂડ માટે જાણીતી દીવા મહારાષ્ટ્રાચાનું સ્વાદિષ્ટ મહારાષ્ટ્રિયન ફૂડ પણ છે. લાતુરના ઉજની ગામની રવિ હોટેલના સ્ટૉલમાં બાસુંદી અને ચેવડો છે. મમરાના ચેવડામાં પ્યૉર મહારાષ્ટ્રિયન ખાણાનો સ્વાદ છે અને બાસુંદીની શુદ્ધતા એના ટેસ્ટ પરથી જ આવે છે. ચેવડો અને બાસુંદીના સ્ટૉલવાળા મૂળ મારવાડી બ્રાહ્મણ દિનેશ જોશીના વડવા ૧૦૦ વર્ષથી ઉજનીમાં રહે છે. ગઈ કાલે તેઓ ૮૦ કિલો બાસુંદી અને ૪૦ કિલો ચેવડો લઈને આવ્યા હતા એ ખતમ થઈ ગયાં હતાં.

ટૂરિઝમને પ્રમોટ કરવા
ફૂડ-ફેસ્ટિવલ? ન સમજાયુંને? જવાબમાં આ ઇવેન્ટ જેણે ઑર્ગેનાઇઝ કરી છે એ આઇડિયા હબ નામની ઇવેન્ટ-ઑર્ગેનાઇઝર કંપની કહે છે, ‘ફૂડ લોકોને એકબીજાની નજીક લાવે છે. ઉપરાંત મુંબઈમાં ફૂડનું જે જુદું-જુદું કલ્ચર છે એને આ રીતે એક સરસ પ્લૅટફૉર્મ આપવાથી એની માહિતી લોકો સુધી પહોંચી શકે. વિશ્વના દેશો મોટાં શહેરોમાં ટૂરિઝમ-પ્રમોશન માટે ફૂડ-ફેસ્ટિવલ યોજે છે, પણ ભારતમાં એ કૉન્સેપ્ટ નહોતો. પહેલી વાર આવો ફૂડ-ફેસ્ટિવલ મુબઈમાં થયો છે અને આવતા વર્ષે પણ યોજી શકાય એની ઉમ્મીદ કરીએ છીએ.’ અહીં ભેગા થયેલા લોકો માટે દર કલાકે સ્ટેજ પર મહારાષ્ટ્રિયન સંસ્કૃતિની ઝાંખી કરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. ક્રિસમસની છુટ્ટીઓ ચાલી રહી હોવાથી ફૅમિલી સાથેના લોકો અને યંગસ્ટર્સ સારીએવી સંખ્યામાં એની મજા લઈ રહ્યા છે.