મુંબઈને મળશે નવા પોલીસ કમિશનર: ત્રણ અધિકારી રેસમાં સામેલ

26 February, 2020 07:43 AM IST  |  Mumbai

મુંબઈને મળશે નવા પોલીસ કમિશનર: ત્રણ અધિકારી રેસમાં સામેલ

સંજય બર્વે

મહાનગરના હાલના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થવાને આરે છે અને શહેરને નવા પોલીસ કમિશનર મળશે. બર્વેના અનુગામી કોણ બનશે એ વિશે ચર્ચા થઈ રહી છે.

પોલીસ કમિશનર તરીકે સંજય બર્વેની મુદત ૨૯ ફેબ્રુઆરીએ પૂરી થાય છે. તેઓ ૨૦૧૯ની ૩૧ ઑગસ્ટે જ સેવાનિવૃત્ત થવાના હતા, પણ તેમને એ વખતની મહારાષ્ટ્ર સરકારે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું.

એ લંબાવેલી મુદત ૩૦ નવેમ્બરે પૂરી થઈ હતી, પરંતુ ત્યાર બાદ પણ સરકારે ફરીથી તેમની મુદત ૩ મહિના માટે લંબાવી હતી. હવે બીજું એક્સટેન્શન ૨૯ ફેબ્રુઆરીએ પૂરું થાય છે. એથી ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મુંબઈના નવા પોલીસ કમિશનર કોણ બનશે?

મુંબઈના પોલીસ કમિશનરના પદની રેસ માટે ૩ અધિકારી સામેલ છે... એક છે, પોલીસ ડિરેક્ટર જનરલ (ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ) પરમબીર સિંહ; બીજા છે, પુણેના પોલીસ કમિશનર કે. વેન્કટેશન અને ત્રીજા છે, ૧૯૮૮ના બેચના પોલીસ અધિકારી રજનીશ શેઠ.

મુંબઈના પોલીસ કમિશનર તરીકે સંજય બર્વેની નિમણૂક ગઈ વેળાની મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. એ વખતના પોલીસ કમિશનર દત્તા પડસલગીકરને મહારાષ્ટ્રના પોલીસ વડા તરીકે નિયુક્ત કરાતાં તેમની જગ્યાએ મુંબઈના પોલીસ દળનું નેતૃત્વ સંજય બર્વેને સોંપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દત્તા પડસલગીકરને પણ તેમની મુદત પૂરી થયા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

mumbai news mumbai mumbai police