મુંબઈ ​: આ વખતે ગ્રીન ફટાકડાની બોલબાલા

04 November, 2020 08:08 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈ ​: આ વખતે ગ્રીન ફટાકડાની બોલબાલા

આ વખતે ગ્રીન ફટાકડાની બોલબાલા

દશેરાના તહેવાર સાથે જ કોરાના મહામારીને ભૂલીને લોકો અનેરા ઉત્સાહ સાથે અને કોઈ પણ પ્રકારના બજેટના કન્ટ્રોલ વગર ફટાકડાની ખરીદી કરવા મસ્જિદ બંદર અને મહમદઅલી રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર ઊમટી પડ્યા છે. લોકોમાં પ્રદૂષણરહિત ગ્રીન ફટાકડાની માગ વધી છે. લોકોની આ ખરીદશક્તિ જોઈને ફટાકડાના વેપારીઓને ઘણા લાંબા સમય પછી દિવાળીના તહેવારો ઉમંગભર્યા રહેશે એવી એક ઉમીદ જાગી છે.

મુંબઈ ઍન્ડ થાણે ડિસ્ટ્રિકટ ફાયરવર્કસ ડીલર્સ વેલ્ફેર અસોસિએશનના જનરલ સેક્રેટરી મિનેષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફટાકડાની સીઝન હવે તહેવારો પૂરતી સીમિત રહી નથી. ફટાકડા ખરીદવા લોકો બારે માસ આવે છે. ઘરમાં લગ્નપ્રસંગ હોય કે અન્ય પ્રસંગ, લોકો એ પ્રસંગોની ઉજવણી ફટાકડા ફોડીને ધામધૂમથી કરે છે. જોકે લૉકડાઉનમાં બહુ મોટા પરિવર્તન આવી ગયા છે. સરકારના કોવિડ નિયમોને કારણે લગ્નપ્રસંગો લોકોએ સાદાઈથી ઊજવી લીધાં. આવી જ રીતે કોવિડને કારણે ઇદે મિલાદ, ગણેશોત્સવ, નવરાત્રોત્સવ જેવા તહેવારોમાં જુલૂસ પર પ્રતિબંધ હોવાથી આ તહેવારો કોઈ પણ જાતના શોરબકોર કે આતશબાજી વગર ઊજવાઈ ગયા. આ જોતાં એવું લાગતું હતું કે દશેરા અને દિવાળીના તહેવારો પણ ફટાકડાના અવાજ વગર જ લોકો ઊજવી લેશે.’

જોકે દશેરાના દિવસોમાં ફટાકડા ખરીદવા લોકો અતિ ઉત્સાહ સાથે આવી રહ્યા હતા એમ જણાવતાં મિનેષ મહેતાએ ઉમેર્યું હતું કે દશેરામાં લોકો કોઈ પણ પ્રકારના બજેટ નિયંત્રણ વગર જ ફટાકડા ખરીદવા આવ્યા હતા. દશેરામાં માતાજીના વિસર્જન અને ગરબી પધરાવવા જતી વખતે લોકો વાજતેગાજતે ફટાકડાના ધૂમધામ અવાજો સાથે જતા હોય છે. જોકે અત્યારના સરકારી કોવિડના નિયમોના કારણે લોકો સમૂહમાં પ્રસંગોની ઉજવણી કરતા નથી. આમ છતાં જેમનાં ઘરોમાં માતાજીની ગરબી અને માતાજીની સ્થાપના કરવામાં આવી હતી એવા લોકો દશેરાના ત્રણ દિવસ પહેલાંથી ફટાકડાની ખરીદી કરવા નીકળ્યા હતા.

દશેરાના તહેવારમાં લોકોની ખરીદશક્તિ અજબની રહી હતી. મિનેષ મહેતાએ કહ્યું હતું કે લોકોના ચહેરા પરથી કોરાનાનો ભય ગાયબ થઈ ગયો હતો. લોકો અનેરા ઉત્સાહમાં ખરીદી કરવા નીકળ્યા હતા. એટલું જ નહીં મુંબઈની આસપાસનાં ઉપનગરો અને મહારાષ્ટ્રમાંથી પણ ફટાકડાની ડિમાન્ડ રેગ્યુલર સમય જેટલી જ નીકળી છે. આ જોતાં ફટાકડાના વેપારીઓના ચહેરા પર પણ ચમક આવી ગઈ છે. દિવાળીના તહેવારોમાં ફટાકડાની ડિમાન્ડ જોરદાર રહેશે. અત્યારે પ્રદૂષણરહિત ગ્રીન ફટાકડાની ડિમાન્ડ છે. લૉકડાઉન પછી આ પહેલો તહેવાર લોકો અતિઉત્સાહ અને ઉમંગમાં ઊજવશે એમાં કોઈ શંકા નથી.

mumbai mumbai news diwali dussehra