થર્ટી ફર્સ્ટની રાતે દારૂ ન પીનારા ડ્રાઇવરોને ટ્રાફિક-પોલીસ આપશે ગુલાબ

29 December, 2014 03:37 AM IST  | 

થર્ટી ફર્સ્ટની રાતે દારૂ ન પીનારા ડ્રાઇવરોને ટ્રાફિક-પોલીસ આપશે ગુલાબ



ટ્રાફિક-પોલીસે જણાવ્યું હતું કે ‘ન્યુ યરની રાતે અનેક ઠેકાણે નાકાબંધી કરવામાં આવશે. એ નાકાબંધી દરમ્યાન ડ્રન્ક ડ્રાઇવર્સ પર ચાંપતી નજર રાખવામાં આવશે. એ ઉપરાંત આ વર્ષે દારૂ પીને ડ્રાઇવિંગ નહીં કરનારા મોટરિસ્ટોની ગુડ બિહેવિયરને પોલીસ ગુલાબનું ફૂલ આપીને બિરદાવશે.’

ટ્રાફિક-પોલીસનાં ૨૫ ડિવિઝન્સ છે. દરેક ડિવિઝનમાં ૩૦૦ને હિસાબે સાડાસાત હજાર ગુલાબ વહેંચાશે.

પોલીસ તંત્રના આ નવા અભિગમ વિશે જૉઇન્ટ પોલીસ-કમિશનર(ટ્રાફિક) ડૉ. ભૂષણકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘આ અમારું એક પૉઝિટિવ પગલું છે અને આશા છે કે મોટરિસ્ટો એનું સ્વાગત કરશે અને એ પગલાથી લોકો ડ્રાઇવિંગ કરતી વેળા ખાસ કરીને થર્ટી ફર્સ્ટની રાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરશે એની અમને ખાતરી છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે અમે ખૂબ સ્ટિÿક્ટ હોઈશું. અમારી પાસેના ૮૪ બ્રેથ-ઍનૅલાઇઝર્સ અમે રિપેર કરાવીને સુસજ્જ રાખ્યા છે, જેથી ડ્રન્ક ડ્રાઇવિંગ કરનાર અમારા છટકામાંથી બહાર નીકળી ન શકે. અમે બગડેલા મોટા ભાગનાં મશિનો રિપેર કરાવી લીધાં છે. બાકીનાં ટૂંક સમયમાં રિપેર કરાવી લેવાશે.’

૩૧ ડિસેમ્બરે ટ્રાફિક-પોલીસના ૩૫૦૦ જવાનો માર્ગો પર ફરજ બજાવશે. સામાન્ય રીતે ઑફિસમાં ટેબલ-ખુરશી પર બેસીને કામ કરનારાઓને પણ ૩૧મીના રાતે ફીલ્ડમાં એટલે કે પૅટ્રોલિંગની ડ્યુટી આપવામાં આવી છે.

ટ્રાફિક-પોલીસે બારના માલિકોને સૂચના મોકલી

ટ્રાફિક-પોલીસ ડિપાર્ટમેન્ટે તમામ બારના માલિકોને સૂચનાઓ મોકલી હોવાનું જણાવતાં ડૉ. ભૂષણ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘બારના માલિકોને તેમના ગ્રાહકો પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ગ્રાહકો દારૂ પીધા પછી તેમનાં વાહનોનું ડ્રાઇવિંગ ન કરે એની તકેદારી રાખવા જણાવ્યું છે. કોઈ વ્યક્તિ બારમાં દારૂ પીને નીકળે અને તે ડ્રાઇવિંગ કરતાં પકડાય તો તેણે જે બારમાં શરાબ પીધો હશે એ બારના માલિક સામે પણ પગલાં લેવાશે. કેસમાં જરૂર જણાય ત્યાં બારનો માલિક તેનું લાઇસન્સ પણ ગુમાવશે.’

દારૂ પીને ડ્રાઇવિંગ કરતાં ઝડપાયેલા કેસ

વર્ષ              ડ્રન્કન ડ્રાઇવિંગના પકડાયેલા કેસ (૩૧ ડિસેમ્બરે)

૨૦૧૩           ૫૬૮

૨૦૧૨            ૮૪૦

૨૦૧૧             ૭૩૯