મુંબઈ: ઘરેબેઠા જૈન યુવાન કરાવે છે ઑનલાઈન સામાયિક આરાધના

31 March, 2020 07:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: ઘરેબેઠા જૈન યુવાન કરાવે છે ઑનલાઈન સામાયિક આરાધના

ઑનલાઈન સામાયિકમાં હાજર લોકો

કોરોનાના ભયથી દેશભરમાં ૨૧ દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બધા માટે ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે ત્યારે પૂર્જા-અર્ચના કરવા માટે દેરાસર-મંદિરમાં જવાનું મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં લોકો ઘરે બેસીને જ ધર્મધ્યાન કે આરાધના કરી શકે એવો આઈડિયા ખારના એક કચ્છી જૈન યુવકે શોધી કાઢ્યો છે. એક નેચરોપથ ડૉક્ટર યુવાન મોબાઈલ ઍપ્લિકેશનની મદદથી જૈન ધર્મની સામાયિક સહિતની આરાધના ચાર દિવસથી કરાવી રહ્યો છે. યુવાનના આ વિચારથી પ્રેરિત થઈને ચાર દિવસથી મુલુંડ, નાલાસોપારા અને ડોમ્બિવલીના પચીસ જેટલા પરિવાર સામાયિકની આરાધના કરી રહ્યા છે.

જૈન ધર્મમાં પ્રતિક્રમણ કે સામાયિક તરીકે ઓળખાતી ૪૮ મિનિટની આરાધના દરરોજ સાંજે ૪થી ૫ વાગ્યા દરમ્યાન કરાવાઈ રહી છે. ખારમાં રહેતા ૨૫ વર્ષના નેચરોપથ ડૉ. ઉમંગ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં મોટા પ્રમાણમાં સાધર્મિકો આરાધના, મંત્રજાપ અને પૂજા-અર્ચના કરી શકે અને એની માહિતી મેળવી શકે એ માટે મેં અત્યારે પાસડ ભાવિક સંઘ સાથે સંકળાયેલા જૈન પરિવારોને ઝૂમ ઍપ્લિકેશન દ્વારા ઑનલાઈન સેવા શરૂ કરી છે. ઘણા કહે છે કે તેમને સામાયિકની વિધિ કે મંત્રો નથી આવડતા. તેમને અમે ઑનલાઈન મદદ કરી રહ્યા છીએ. આનાથી સમય પણ પસાર થઈ જાય છે અને જેઓ આરાધના કરવા માગે છે, પણ પૂરતી માહિતી નથી તેઓ માહિતી મેળવીને સામાયિક પણ કરી રહ્યા છે.’

ડૉ. ઉમંગ ગાલાએ ૨૬ માર્ચથી સામાયિકની ઑનલાઈન માહિતી આપવાની શરૂઆત કરી હતી. આજથી એટલે કે સોમવારથી આયંબિલની શાશ્વતી ઓળીની શરૂઆત થઈ રહી છે. વિશ્વભરમાં હજારોની સંખ્યામાં જૈનો આયંબિલ કરે છે. દર વર્ષે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ૧૫૦૦થી ૨૦૦૦ જૈનો આયંબિલ માટે લાઈન લગાવતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે આ શક્ય નથી ત્યારે ઑનલાઈન પ્લૅટફૉર્મ દ્વારા તમામ આરાધના કરી શકાય છે.

હવે ફેસબુક ઑનલાઈન દ્વારા એકસાથે હજારો સાધર્મિકોને ૪૮ મિનિટની સામાયિક લેવાની પ્રક્રિયાની સાથે ધર્મની માહિતી શૅર કરવામાં આવશે.

ડોમ્બિવલી (પૂર્વ)માં છેડા રોડ પર આવેલી સમર્થ જ્યોત બિલ્ડિંગમાં રહેતા રમેશ પાસડે કહ્યું હતું કે ‘પાસડ ભક્તિ સંઘ દ્વારા ઑનલાઈન સામાયિકથી માંડીને ધર્મની માહિતી શૅર કરાઈ રહી હોવાનું જાણ્યા બાદ અમે પણ ચાર દિવસથી સપરિવાર સામાયિક કરીએ છીએ. ૪૮ મિનિટના સામાયિકની સાથે અમે સૌ એકસાથે બેસીને ધર્મની ચર્ચા પણ કરીએ છીએ.’

સામાયિકમાં મોબાઈલનો ઉપયોગ યોગ્ય નથી : મહારાજસાહેબની સલાહ

સાગર સમુદાયના આચાર્ય શ્રી સાગરચંદ્રસાગર મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાયિકની વિધિમાં મોબાઈલનો ઉપયોગ યોગ્ય નથી. આવી પરંપરા શાસ્ત્ર વચનની વિરુદ્ધ છે. ઑનલાઈન સૂત્ર લેવાથી કર્મબંધ થાય છે. સામાયિક કરવાની વિધિની પુસ્તિકા દરેક જૈન પરિવારમાં હોય જ છે. જેમની પાસે ન હોય તેઓ પેઢી, સંઘમાંથી મેળવી શકે છે.

પુસ્તિકા ન મળે તો પણ શાસ્ત્રમાં વચનો છે કે સામાયિકની આરાધના માત્ર ત્રણ નવકાર ગણીને ૪૮ મિનિટ માટે બેસીને હું સામાયિક કરી રહ્યો છું એમ બોલીને પણ આરાધના કરી શકે છે. આ પદ્ધતિ પણ સ્વીકાર્ય છે.

mumbai mumbai news prakash bambhrolia coronavirus covid19