મુંબઈ: એન્ગેજમેન્ટ સેલિબ્રેશન હોય તો આવું

27 September, 2020 11:53 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈ: એન્ગેજમેન્ટ સેલિબ્રેશન હોય તો આવું

કાર્યક્રમમાં જોડાવા માટે લોકોને ઑનલાઇન આપેલી આમંત્રણ-પત્રિકામાં હાઉઝીના નંબર પણ લખેલા છે.

બોરીવલી-વેસ્ટની જાંબલી ગલીમાં રહેતા પંકજ શાહ અને તેમના પરિવાર પાસેથી અત્યારે કોરોનાકાળમાં કઈ રીતે સોશ્યલ ફંક્શન યોજાય એ શીખવા જેવું છે. લગ્ન કે સગાઈમાં સગાંસંબંધીઓ, મિત્રોને ભેગાં કઈ રીતે કરવાં એ એક પ્રશ્નાર્થ બધા માટે ઊભો થયો છે. પંકજ શાહના દીકરા ભવ્ય શાહ અને નિષ્ઠા વોરાની ૨૮ ઑગસ્ટે એન્ગેજમેન્ટ-સેરેમની યોજાઈ હતી. જોકે કોરોનાને કારણે કાર્યક્રમમાં કોઈ જોડાઈ શક્યું નહોતું. અત્યારની પરિસ્થિતિમાં ઑનલાઇન સોશ્યલ ગેધરિંગ કરવા અને પરિવારના સભ્યોથી લઈને મિત્રવર્ગ એમ બધા જોડાઈને પૉઝિટિવિટીનો અનુભવ કરે એવા પ્રયાસ કરવા આ અનોખો આઇડિયા શોધી કાઢ્યો છે અને એ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે.

બાળકોને આશીર્વાદ પણ મળે અને લૉકડાઉનમાં લોકોને કંઈક નવી પ્રવૃત્તિ મળે તો સારું ફીલ થાય એવા અનેક વિચારો સાથે આજે યોજાનારા આ ઑનલાઇન કાર્યક્રમની છેલ્લા ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા છીએ એમ કહેતાં પંકજ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘરે અમે ફક્ત ત્રણ જ જણ હોઈશું. સાર્વજનિક દૂરીને કારણે અમારા વેવાઈ સુધ્ધાં તેમના ઘરે હશે. સ્ટુડિયોમાં કાર્યક્રમ થવાનો હતો, પરંતુ ત્યાં પણ અમે નહીં જઈશું, પરંતુ ત્યાંથી કાર્યક્રમમાં ૧૧૦૦ જેટલા લોકો જોડાયા હશે તેમને અંતાક્ષરી, ગીતો ગાવાં, મ્યુઝિકલ હાઉઝી, ૭૦-૮૦ જેટલાં સરપ્રાઇઝ આપીને અનેક ગેમ્સ પણ રમાડવામાં આવશે. ઑનલાઇન મોકલાવેલા આમંત્રણમાં હાઉઝી નંબર સહિત દરેક માહિતી આપી છે.’

કાર્યક્રમમાં જોડાઈએ એટલે જમવાનું તો હોય જ. અમે પ્યૉર જૈન જમણવાર ઘરે મળી રહે એવી વ્યવસ્થા કરી છે. ૨૦૦૦ લોકો જમી શકે એ રીતે ૬૦૦ જેટલી કિટ તૈયાર કરી છે. આ કિટ એવી હશે કે સીધી એને માઇક્રોવેવમાં મૂકીને ગરમ કરીને જમવાનું રહેશે.
- પંકજભાઈ શાહ

mumbai mumbai news coronavirus covid19 borivali preeti khuman-thakur