મુંબઈ: આ ફાયર-વૉલન્ટિયરને લોકોના જીવ બચાવવામાં મળે છે આનંદ

18 February, 2020 07:55 AM IST  |  Mumbai | Jaydeep Gatrana

મુંબઈ: આ ફાયર-વૉલન્ટિયરને લોકોના જીવ બચાવવામાં મળે છે આનંદ

પ્રતીકાત્મક તસવીર

માઝગાવ ખાતે આવેલી સેલ્સ-ટૅક્સની ઑફિસમાં લાગેલી આગમાં ઑફિસમાં કામ કરતા બધા નસીબવંતા હતા, કારણ કે આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પણ શિવડીમાં રહેતા અને શહેરમાં કોઈ પણ જગ્યાએ આગ લાગે ત્યારે તત્પરતા દાખવનારા વિદ્યેશ ગાયકવાડની કામગીરી દાદ માગે એવી છે. આગ લાગે ત્યારે કોઈ પણ પરવા કર્યા વિના ગાયકવાડ સૌથી પહેલાં ઘટનાસ્થળે દોડીને આગમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે પહોંચી જાય છે. ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગમાં ફસાયેલા લોકોના જીવ બચાવવામાં મને આનંદ મળે છે. ફાયરબ્રિગેડની સાથે હું પાણી નાખવામાં પણ મદદ કરતો હોઉં છું. આગમાં ઓછામાં ઓછી નુકસાની થાય એવું કામ ફાયરબ્રિગેડનું રહેતું હોય છે અને હું પણ તેઓને મદદરૂપ બનતો હોઉં છું.’

આ પણ વાંચો : મુંબઈ: જીએસટી ભવનમાં ભયાનક આગ, કોઈ જાનહાનિ નહીં

સ્વયંસેવક તરીકેની ભૂમિકા ભજવનાર ગાયકવાડે શહેરમાં ક્રિસ્ટલ અને કમલા મિલમાં લાગેલી આગમાં પણ એટલી જ તત્પરતા દાખવીને ઓનરરી સેવા આપી હતી. સેલ્સ ટૅક્સની બિલ્ડિંગમાં લાગેલી લેવલ-૪ની આગની જાણ ગાયકવાડને બપોરે એક વાગ્યે થઈ હતી અને તેણે તરત જ ઘટનાસ્થળે દોડ મૂકી દીધી હતી. ગાયકવાડ એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને આગમાં ફસાયેલા લોકોને બચાવવાને તે પોતાની ફરજ માને છે.

jaydeep ganatra mumbai mumbai news mazgaon