રેલવેના એજન્ટને આધાર કાર્ડ આપતાં પહેલાં સો વાર વિચારજો

14 March, 2021 07:54 AM IST  |  Mumbai | Mehul Jethva

રેલવેના એજન્ટને આધાર કાર્ડ આપતાં પહેલાં સો વાર વિચારજો

ધરપકડ કરાયેલા આરોપી સાથે જીઆરપીના અધિકારીઓ.

રેલવે પોલીસે રેલવેના એવા એજન્ટોની ધરપકડ કરી છે જેઓ આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન)ની વેબસાઇટ પર અજાણ્યા લોકોના આઇડીથી અકાઉન્ટ બનાવી તત્કાલ ટિકિટ બુક કરીને પૈસા કમાતા હતા. એટલું જ નહીં, પોલીસે જે લોકોને પકડ્યા છે એમાં અમુક લોકો તો આઇઆરસીટીસીનું સર્વર દસેક મિનિટ સુધી હૅક કરીને બે ઍપ મારફત ટિકિટો બુક કરતા હતા.

આ લોકોની મોડસ ઑપરેન્ડી વિશે પોલીસે કહ્યું હતું કે ‘આ આરોપીઓ ખાસ કરીને યુપી અને બિહારના ઓછા ભણેલા લોકોને ટાર્ગેટ કરતા હતા. જ્યારે પણ આ લોકો તેમની પાસે ટિકિટ બુક કરાવવા જાય ત્યારે એજન્ટ તેમની પાસેથી આધાર કાર્ડ લઈ લેતો અને ત્યાર બાદ પોતે તે વ્યક્તિના નામે આઇઆરસીટીસીમાં અકાઉન્ટ ઓપન કરતો હતો. અકાઉન્ટ ઓપન કરતી વખતે એમાં તે પોતાનો મોબાઇલ અને ઈ-મેઇલ આઇડી આપતો હતો જેથી બધા મેસેજ અને મેઇલ તેને જ મળે. ત્યાર બાદ આવા અકાઉન્ટમાંથી તત્કાલની ટિકિટ બુક કરાવીને આ લોકો પૈસા કમાતા હતા.’

ઓછા ભણેલા લોકોને કેમ ટાર્ગેટ કરવામાં આવતા હતા એ વિશે એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આ લોકો એવા માણસને જ પકડતા હતા જે પોતાનું આઇડી બનાવવાનું વિચારતો ન હોય અને આ જ કારણસર યુપી અને બિહારના લોકોના આધાર કાર્ડનો ઉપયોગ ટિકિટ બુક કરાવવા કરવામાં આવતો હતો. આ સિવાય રેડબુલ, તત્કાલઅડ્ડા અને પ્રો-એક્સ્ટેન્શન સૉફ્ટવેર નામની ઍપ પરથી પણ ‌મોટી સંખ્યામાં ટિકિટ બુક કરાવવામાં આવતી હતી. આ લોકો થોડા સમય માટે રેલવેના સર્વરને હૅક કરીને આ કામ કરતા હતા.’

પોલીસના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન રેલવે છેલ્લા બે મહિનાથી એક વિશેષ કાર્યવાહી કરી રહી છે જેમાં બોગસ આઇડીથી લોકોની ટિકિટ બુક કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈ જીઆરપીના સાઇબર સેલ દ્વારા પૂરાં પાડવામાં આવેલાં ઇનપુટ્સના આધારે જીઆરપીના અધિકારીઓએ મુંબઈનાં અનેક સ્થળોએ રેઇડ પાડી હતી. એમાં જાણવા મળ્યું હતું કે તત્કાલ બુકિંગ ખૂલે ત્યારે ઑનલાઇન ટિકિટ-બુકિંગ માટે કેટલાક એજન્ટોએ અમુક લોકોના વ્યક્તિગત આઇડીનો દુરુપયોગ કર્યો હતો. એ સાથે સરકાર દ્વારા માન્ય નથી એવી અનેક ઍપનો ઉપયોગ કરીને પણ તેઓ લોકોની ટિકિટો કાઢતા હતા.

પોલીસનું શું કહેવું છે?
જીઆરપી અધિકારી રાજદીપ સિંહે આ કાર્યવાહી વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૧૧૫ કેસ રજિસ્ટર કરીને ૧૧૯ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત અમે તેમણે બુક કરેલી ૨૪૭૧ ટિકિટો પણ રદ કરી છે જેની કુલ કિંમત ૩૧,૫૦,૫૧૫ રૂપિયા થાય છે. તેમની સામે અમે રેલવે ઍક્ટ હેઠળ કાર્યવાહી કરીને ધરપકડ કરી છે.’ આરોપીઓ રેલવેનું સર્વર હૅક કરીને ત્રણ ઍપ મારફત પણ મોટી સંખ્યામાં ટિકિટ બુક કરતા હતા.

mumbai mumbai news indian railways western railway mehul jethva