બહુ જ જલદી થશે રોડ ઍક્સિડન્ટમાં ઘટાડો

17 June, 2021 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરને ઝપકી આવી જાય તો તરત જ અલર્ટ કરે એવી સિસ્ટમ બનાવાઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

ઘણી વખત લાંબા રૂટમાં રાતના સમયે લાંબો સમય ડ્રાઇવિંગ કરવાથી ડ્રાઇવરને ઝોકું (ઝપકી) આવી જાય છે. ત્યારે એકાદ ક્ષણ માટે તેની આંખ બંધ થઈ જાય છે અને સ્ટિયરિંગ વ્હીલ પરથી તેનો કન્ટ્રોલ છૂટી જાય છે ત્યારે અકસ્માત થાય છે. એમાં લોકોનો જીવ પણ જાય છે અને ઘાયલ પણ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ રાજ્ય પરિવહન વિભાગ દ્વારા થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કાર સહિત હેવી વેહિકલના ડ્રાઇવરની સીટ સામે કૅમેરા અને સેન્સર ગોઠવીને ડ્રાઇવરની આંખોની હિલચાલને નોંધવામાં આવે અને જો તેને ઝપકી આવે તો તેની એ હિલચાલને ઝડપી લઈને તરત જ એલર્ટ કરી અલાર્મ વાગે એવી ગોઠવણ એક જાણીતી સૉફ્ટવેર કંપની પાસે ડેવલપ કરાવાઈ રહી છે. 

મુંબઈ પોલીસના ટ્રાફિક ડિવિઝનના ડીસીપી (ઈસ્ટ) અવિનાશ ઢાકણે કહ્યું હતું કે ‘કલાકો સુધી વાહન ચલાવ્યા પછી ઊંઘની જરૂર હોય છે. તો પણ અનેક ડ્રાઇવરો એને અવગણી ડ્રાઇવિંગ કરતા હોય છે. એવા સમયે અકસ્માત થતો રોકવા માટેની યંત્રણા પર હાલ કામ ચાલી રહ્યું છે.’

mumbai mumbai news