કુર્લાના સબવેમાં પાણી ભરાવાના પ્રૉબ્લેમનો પર્મનન્ટ ઉકેલ આવશે?

11 June, 2021 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારના મુશળધાર વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં જે છેક બીજા દિવસે ઊતર્યાં

કુર્લા સબવે

મુંબઈમાં બુધવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો હોવાથી અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં, પરંતુ બપોર પછી વરસાદે વિરામ લીધો હોવાથી ઘણા રસ્તા પરનું પાણી ઊતરી ગયું હતું. જોકે કુર્લા સબવેમાં બીજા દિવસે પણ ઘૂંટણ સુધી ભરાયેલાં પાણી દૂર કરવાની કોઈ તસ્દી લેવાઈ નહોતી. સબવેમાં પાણી ભરાયાં હોવા છતાં અને એ ઈસ્ટથી વેસ્ટ તરફ જોડતો હોવાથી લોકો નાછૂટકે ત્યાંથી જવા માટે મજબૂર હતા. સબવેમાં ગંદકીની સાથે પાણી ભરાયાં હતાં અને બીજા દિવસે પણ ત્યાં એવી જ હાલત જોવા મળી હોવાથી રેલવે અસોસિએશને એ વિશે નારાજગી દાખવી હતી. આ વિશે ચીફ મિનિસ્ટરથી લઈને સંબંધિતોને ટ્વીટ કરાયા બાદ તાત્કાલિક બીએમસી જાગી હતી અને સબવેનું પાણી દૂર કરવાની તસ્દી લીધી હતી.

આ સબવેનો ઘણો ઉપયોગ થતો હોવા છતાં એના પર ધ્યાન કેમ અપાતું નથી એવી નારાજગી બતાવીને રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુર્લા સ્ટેશનના પ્લૅટફૉર્મ નીચે ઈસ્ટ-વેસ્ટને જોડતો આ સબવે છે. આ સબવેની સુરક્ષા, મેઇન્ટેનન્સ અને સફાઈની જવાબદારી બીએમસીની છે. લોકો મોટી સંખ્યામાં અહીંથી અવરજવર કરે છે. એમ છતાં આ સબવે તરફ સુધરાઈ દુર્લક્ષ કરે છે. વરસાદ ન હોય તો ગટરનું ગંદું પાણી અહીં પડેલું હોય છે અને વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે. ગઈ કાલે સવારે વરસાદ પડ્યા બાદ પાણી ભરાઈ ગયું હતું અને એમાંથી પાણી દૂર જ કરાયું નહોતું. લોકો ઘૂંટણ સુધી ગંદા પાણીમાંથી ચાલીને નાછૂટકે ચાલીને જતા જોવા મળ્યા હતા.’
મુંબઈમાં શિવસેના સત્તા પર છે અને શિવસેનાના તત્કાલીન લોકસભાના અધ્યક્ષ મનોહર જોશીનો કુર્લા સબવે ડ્રીમ પ્રોજેક્ટ હતો એમ જણાવીને સુભાષ ગુપ્તાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે વરસાદ હતો, પરંતુ બપોરે તો વરસાદ નહોતો. ત્યારે તો પાણી દૂર કરી શકાય એમ હતું. જોકે ધ્યાન જ ન આપવું હોય તો શું કહેવાય? એથી રાહ જોઈને અંતે ગઈ કાલે ૧૧ વાગ્યે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર, સ્થાનિક વિધાનસભ્ય, સ્થાનિક સંસદસસભ્ય અને પાલક પ્રધાનને ટ્વીટ કરીને સબવેની પરસ્થિતિની હકીકત વિડિયો સાથે જણાવી હતી. ત્યાર બાદ આશરે સાડાબાર વાગ્યે મશીન દ્વારા સબવેમાંથી પાણી દૂર કરવાની તસ્દી લેવાઈ હતી. ગઈ કાલે સબવેમાં તપાસ કરી ત્યારે જાણ થઈ કે ત્યાં આવેલા પમ્પરૂમમાં પમ્પ જ નહોતો.’

લોકોએ પણ જવાબદારી લેવાની જરૂર છે : સ્થાનિક વિધાનસભ્ય
આ સમસ્યા વિશે પૂછતાં સ્થાનિક વિધાનસભ્ય મંગેશ કુડાલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સબવેની સમસ્યા વિશે હું વાકેફ છું. એથી મેં પર્સનલી એના પર ધ્યાન આપીને ગઈ કાલે ત્યાંથી પાણી દૂર કરાવ્યું હતું. આ સબવેનું ૮૦ ટકા કામ રેલવેએ અને ૨૦ ટકા બીએમસીએ કર્યું છે. એથી રેલવેથી બીએમસીને હૅન્ડઓવર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ એરિયા લો લાઇન હોવાને કારણે સબવેમાં પાણી ભરાઈ જાય છે. જોકે એના ઉકેલ પર પણ કામ થઈ રહ્યું છે. લોકોએ પણ થોડી જવાબદારી લેવાની જરૂર છે, કારણ કે મેં પોતે સબવેમાં પાંચેક સીસીટીવી કૅમેરા બેસાડ્યા હતા, પરંતુ એ પણ તોડી નાખવામાં આવ્યા છે. લોકો જ્યાં-ત્યાં થૂંકે છે, ગંદકી ફેલાવે છે. સીલિંગનો ભાગ પણ તોડી નાખ્યો હતો.’

mumbai mumbai news kurla mumbai rains mumbai monsoon