મુંબઈ: મીરા-ભાઇંદરના લોકો બેસ્ટના વિચિત્ર વહીવટથી હેરાન-પરેશાન

16 September, 2020 02:20 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: મીરા-ભાઇંદરના લોકો બેસ્ટના વિચિત્ર વહીવટથી હેરાન-પરેશાન

બસ

માગાઠણેથી મીરા રોડ થઈને ભાઈંદર-વેસ્ટમાં રેલવે-સ્ટેશન સુધી બેસ્ટની ૭૧૦ નંબરની બસ ચાલે છે. લોકલ ટ્રેનો બંધ છે ત્યારે આ બસ મીરા-ભાઈંદરના રહેવાસીઓ માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ બેસ્ટ તંત્રના વિચિત્ર વહીવટને લીધે બસ-સર્વિસ વધારવાને બદલે ઓછી કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે. જેને લીધે દરરોજ પ્રવાસ કરતા સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

મીરા રોડ અને ભાઈંદરના સ્થાનિક રહેવાસીઓ માટે લાંબા સમયથી બેસ્ટની ૭૧૦ નંબરની બસ ચાલી રહી છે, જે ભાઈંદર-વેસ્ટમાં રેલવે-સ્ટેશનથી મીરા રોડ રેલવે સ્ટેશન થઈને દહિસર ચેકનાકા, બોરીવલી થઈને માગાઠણે વચ્ચે સવારે ૫.૪૦ વાગ્યાથી રાતે ૯.૧૦ વાગ્યા દરમ્યાન દોડે છે.

લૉકડાઉનને લીધે ૬ મહિનાથી લોકલ ટ્રેનો બંધ છે. આવા સમયે બેસ્ટની બસો લોકો માટે આશીર્વાદરૂપ બની શકે, પરંતુ બેસ્ટ તંત્રે બસ-સર્વિસ વધારવાને બદલે ઓછી કરી નાખી છે. જ્યાં સવારથી રાત સુધી દર અડધો કલાકે ૭૧૦ નંબરની બસો દોડતી હતી એની અત્યારે માત્ર બે જ સર્વિસ ચાલી રહી છે. આથી ભાઈંદર અને મીરા રોડમાં રહેતા લોકોમાં બેસ્ટ પરિવહન તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

બેસ્ટના કસ્ટમર કૅરમાં ‘મિડ-ડે’એ આ વિશે સવાલ કરતાં જવાબ મળ્યો હતો કે ‘ટ્રેનો બંધ હોવાથી મોટી સંખ્યામાં લોકો પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસ કરી રહ્યા હોવાથી દહિસર ચેકનાકા પર સવાર-સાંજ ભારે ટ્રાફિક જૅમ થાય છે. આથી ૭૧૦ નંબરની બસને માગાઠણેથી ભાઈંદર પહોંચવામાં ચારેક કલાક લાગે છે. આ સમસ્યાને લીધે અત્યારે માત્ર બે જ સર્વિસ દોડાવાઈ રહી છે. આની સામે મીરા ભાઈંદરની ૭૦૧, ૭૦૩, ૭૧૮ અને ૭૦૯ નંબરની બસ-સર્વિસ વધારવામાં આવી છે.’

બીજી બસો પણ દહિસર ચેકનાકાથી જ અવરજવર કરે છે. એને ટ્રાફિકની સમસ્યા નથી નડતી અને માત્ર ૭૧૦ નંબરની બસને જ આવી મુશ્કેલી થઈ રહી હોવાની બેસ્ટ તંત્રની દલીલ ગળે નથી ઊતરતી.

mumbai mumbai news bhayander indian railways western railway