મુંબઈ : મોબાઇલ ટાવરનો પેન્ડિંગ ટૅક્સ સોસાયટી પાસેથી વસૂલાશે

26 November, 2020 12:07 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : મોબાઇલ ટાવરનો પેન્ડિંગ ટૅક્સ સોસાયટી પાસેથી વસૂલાશે

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં અનેક સોસાયટીઓના બિલ્ડિંગની ઉપર વિવિધ મોબાઇલ કંપનીઓના ટાવર લાગ્યા છે. આ મોબાઇલ કંપનીઓથી સોસાયટી ભાડાના રૂપે મોટી રકમ લેતી હોય છે, પરંતુ ઘણી મોબાઇલ કંપનીઓ એનો ટૅક્સ મહાનગરપાલિકાને ચૂકવતી નથી, જેથી આ કંપનીઓ પર હવે ૫૩ કરોડ રૂપિયાથી વધુ ટૅક્સની રકમ પેન્ડિંગ થઈ ગઈ છે. જોકે હવે મહાનગરપાલિકાએ સોસાયટીઓ પાસેથી એ મોબાઇલ કંપનીઓના પેન્ડિંગ ટૅક્સ વસૂલ કરવાનું નક્કી કરી લીધું છે. પ્રશાસન દ્વારા એ વિશે સોસાયટીઓને નોટિસ ફટકારવાનો પણ નિર્ણય લેવાઈ ગયો છે. એથી ‘કરે કોઈ અને ભરે કોઈ’ એવી સ્થિતિ જોવા મળી રહી છે.

મીરા-ભાઈંદર શહેરમાં વિવિધ બિલ્ડિંગોમાં લગભગ ૭૮૧ મોબાઇલ ટાવર લાગ્યા છે, જેમાં ફક્ત ૧૮૨ ટાવરને પ્રશાસન દ્વારા અનુમતી અપાઈ છે. આ ટાવરો માટે મોબાઇલ કંપનીઓ જેટલી રકમ સોસાયટીને આપે છે એમાંથી ૧૦ ટકા રકમ ઓછી કરીને બાકીની રકમ પર પ્રશાસન ૫૭ ટકા રકમ ટૅક્સરૂપે વસૂલ કરે છે. એની સામે અનેક મોબાઇલ કંપનીઓએ કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે, પરંતુ આ મામલો હજી પ્રલંબિત છે. આ વિશે મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર દિલીપ ઢોલેએ કહ્યું હતું કે ‘જે મોબાઇલ કંપનીઓએ મહાનગરપાલિકાને ટૅક્સ નથી આપ્યો એની ભરપાઈ સોસાયટીઓથી કરવામાં આવશે.’

mumbai mumbai news mira road bhayander