અપહરણ કરનાર યુવકની ધરપકડ કરી, પણ યુવતી ક્યાં છે એનું રહસ્ય અકબંધ

31 December, 2019 01:27 PM IST  |  Mumbai

અપહરણ કરનાર યુવકની ધરપકડ કરી, પણ યુવતી ક્યાં છે એનું રહસ્ય અકબંધ

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી-ઈસ્ટમાં રહેતી ૧૮ વર્ષની ગુજરાતી સ્ટુડન્ટ ધ્વનિ શાહના અપહરણના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કસ્તુરબા માર્ગ પોલીસે ધ્વનિના ૨૩ વર્ષના અપહરણકર્તા અક્ષય દુબેની રવિવારે દાદર રેલવે સ્ટેશનથી ધરપકડ કરીને બીજી જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવી છે. જોકે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે, પરંતુ અત્યાર સુધી ધ્વનિ શાહનો કોઈ પત્તો ન હોવાથી પોલીસ કામે લાગી છે. પોલીસ દરેક ઍન્ગલથી કેસની તપાસ કરીને ધ્વનિને હેમખેમ શોધવાના પ્રયત્ન કરી રહી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે વિવિધ શહેરમાં ટિકિટ લીધા વગર જ બન્ને ફરી રહ્યાં હતાં અને એ દરમ્યાન તેમને કોઈએ ટિકિટ વિના પકડ્યાં પણ નહોતાં. જોકે ધ્વનિ ખરેખર છે ક્યાં છે કે તે આટલા દિવસથી ક્યાં છે જેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને પોલીસ આ પ્રશ્નોના જવાબ શોધવા ભારે જહેમત કરી રહી છે.

બનાવ શું બન્યો હતો?

બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ નંબર-પાંચમાં આવેલા એક બિલ્ડિંગમાં રહેતી અને કાંદિવલીની એક કૉલેજમાં એસવાયબીએમાં ભણતી શાહ પરિવારની નાની દીકરી ધ્વનિ શાહ સોમવારે સાંજે પાંચ વાગ્યે સ્કૂટી લઈને ટેલર પાસે ડ્રેસ સિવડાવવા ગઈ હતી. ત્યારબાદ પાછી ન ફરતા પરિવારે કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશને ધ્વનિ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે અમુક પરિસરના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં, જેમાં એક ફુટેજમાં ધ્વનિ અને અક્ષય દુબે નામનો યુવક બોરીવલીના નૅશનલ પાર્ક પર હાઇવે તરફ જતા રસ્તા પરના એક મંદિર પાસે સોમવારે સાડાપાંચ વાગ્યે વાત કરતાં દેખાયાં હતાં. આ બન્નેની ઓળખાણ ૩ વર્ષ પહેલાં એક કૉલેજમાં થઈ હતી. મિત્રતા વધતાં અક્ષયે પ્રેમનું પ્રપોઝલ મૂક્યું હતું, પરંતુ ધ્વનિએ એ નકારી કાઢ્યું હતું. અક્ષયે ધ્વનિને જાનથી મારી નાખવાની અને તેના પર ઍસિડ-અટૅક કરવાની ધમકી પણ તેણે આપી હતી. પરિવારે ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

પોલીસ શું કહે છે?

આ ‌વિશે કસ્તુરબા પોલીસ સ્ટેશનના અ‌સિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સહાજી કોલેકરે ‘‌મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કેસમાં આરોપી અક્ષયની દાદર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર-૩ પરથી‌રવિવારે સાંજે પાંચ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ધ્વનિ અને અક્ષય બન્ને શ‌નિવારે કલકત્તાથી દાદર આવ્યાં હતાં.’

ધ્વનિ ક્યાં છે એની શોધખોળ કરી રહ્યા છીએ એમ કહેતાં સહાજી કોલેકરે વધુમાં જણાવ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં દેખાતી યુવતીનો ચહેરો દેખાતો ન હોવાથી એ ધ્વનિ છે કે નહીં એ વિશે કંઈ કહી શકાય એમ નથી. એ ઉપરાંત ૧૬ ડિસેમ્બરે તેમણે રાયપુરમાં લગ્ન કરી લીધાં હોવાનું સર્ટિફિકેટ પણ પોલીસને આપ્યું છે, પરંતુ એ બોગસ છે કે સાચું એ વિશે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીને કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે બે જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો છે. હાલમાં ધ્વનિ હેમખેમ મળી આવે એ અમારો પહેલો પ્રયાસ છે.’

mumbai news mumbai Crime News mumbai crime news borivali