મહિલાની સાડીએ રિક્ષામાં ભુલાયેલી ‍14 લાખની મતા પાછી અપાવી

08 December, 2019 11:40 AM IST  |  Mumbai

મહિલાની સાડીએ રિક્ષામાં ભુલાયેલી ‍14 લાખની મતા પાછી અપાવી

સીસીટીવી કૅમેરામાં રિક્ષામાં બેઠેલી મહિલાની સાડી

પોલીસ ચાહે તો ગમે એવા મુશ્કેલ કેસને ગણતરીના સમયમાં ઉકેલી શકે છે. દહિસર પોલીસે રિક્ષામાં બેઠેલી મહિલાએ પહેરેલી સાડીના આધારે તે રિક્ષામાં ભૂલી ગયેલી ૧૪ લાખ રૂપિયાના દાગીના અને રોકડ રૂપિયા સાથેની બૅગ ૪૮ કલાકમાં પાછી અપાવી હતી.

દહિસરમાં લગ્નમાં જવા માટે બાવન વર્ષનાં જ્યોત્સ્નાબહેને તેમનાં ૭૦ વર્ષનાં બહેન મૂલજી કોટક અને અન્ય એક બહેન સાથે બોરીવલી-ઈસ્ટના ટેલિફોન એક્સચેન્જ પાસેથી દહિસર-ઈસ્ટના એન. જી. પાર્ક, અશોક વન જવા માટે રિક્ષા પકડી હતી. તેઓ અશોક વન પહોંચ્યા બાદ ભાડું ચૂકવીને રિક્ષામાંથી ઊતરી ગયાં હતાં.

સીસીટીવી કૅમેરામાં રિક્ષામાં બેઠેલી મહિલાની સાડીના આધારે રિક્ષાવાળાને શોધીને દહિસર પોલીસે ૩૫ તોલા સોનાના દાગીના અને કૅશ ભરેલી બૅગ ગુજરાતી મહિલાને પાછી શોધી આપી હતી.

જોકે અશોક વન પહોંચ્યા બાદ સોનાના દાગીના અને રોકડ રકમ સાથેની બૅગ રિક્ષામાં ભૂલી ગયાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મહિલાઓ તાત્કાલિક ફરિયાદ કરવા માટે દહિસર પોલીસ-સ્ટેશન પહોંચી ગઈ હતી. મુલુંડમાં રહેતાં મૂલજી કોટકની ફરિયાદના આધારે પોલીસે તરત તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસની ટીમે ફક્ત ૪૮ કલાકમાં જ ૧૪,૪૧,૦૦૦ રૂપિયાનું ૩૫ તોલા સોનું અને ૨૧,૦૦૦ રૂપિયા રોકડ ભરેલી બૅગ શોધી કાઢી હતી.

દહિસરના પોલીસ ઇન્સ્પેક્ટર સુરેશ રોકડેએ જણાવ્યા પ્રમાણે ‘આ કેસ નોંધાયા બાદ પોલીસે પહેલાં મહિલાઓ જ્યાં ઊતરી હતી એ જગ્યાના વિવિધ ઠેકાણેના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાંથી એક કૅમેરામાં પોલીસને મહિલા અને તેમની બહેનો જે રિક્ષામાં બેઠી હતી એ દેખાઈ હતી. મહિલાની સાડીના આધારે પોલીસને રિક્ષાની કડી હાથ લાગી હતી. પોલીસ રિક્ષાના નંબરના આધારે તેના માલિક વિનોદ સાવને શોધી તેના સુધી પહોંચી ગઈ હતી.’

આ પણ વાંચો : થિયેટરમાં મોબાઇલ-જૅમર લગાડવાનો પ્રસ્તાવ BMC મંજૂર કરવાની તૈયારીમાં

જ્યોત્સ્નાબહેને કહ્યું કે ‘અમને તો વિશ્વાસ જ નહોતો કે બેસતો આટલી મોટી રકમ ધરાવતી બૅગ અમને પાછી મળી શકશે. દહિસર પોલીસ ભગવાનનું રૂપ બનીને આવી અને અમારી જીવનભરની કમાણી અમને પાછી આપી. દહિસર પોલીસને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.’

dahisar mumbai news mumbai