મુંબઈ: ફળોના રાજા મૅન્ગોને પણ કોરોના વાઇરસ નડ્યો

13 March, 2020 11:39 AM IST  |  Mumbai

મુંબઈ: ફળોના રાજા મૅન્ગોને પણ કોરોના વાઇરસ નડ્યો

આફુસ કેરી

ભારત દેશમાં કોરોના વાઇરસનાં લક્ષણ વધુ ફેલાઈ રહ્યાં છે ત્યારે ફળોના રાજા મૅન્ગોને પણ એની અસર વર્તાઈ રહી છે. આ વર્ષે રત્નાગિરિ, સિંધુદુર્ગ અને રાયગડ જિલ્લામાંથી કેરીનો વિક્રમી ૪૦૦૦ પેટીનો માલ ઊતર્યો છે, પણ એની સામે ગયા વર્ષની સરખામણીએ એક્સપોર્ટ ઓછી થઈ છે. કોરોના વાઇરસનો જે રીતે ફેલાવો થઈ રહ્યો છે એને કારણે એક્સપોર્ટને ઘણી અસર પહોંચી છે એવું એપીએમસીનાં વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.

એક મહિના પહેલાં કેરીનો પહેલો માલ બહુ ઓછો આવ્યો હતો. કમોસમી વરસાદની અસરને કારણે પાક ઓછો ઊતરવાનો હોવાનો અંદાજ સેવીને એનો ભાવ આસમાનને આંબી ગયો હતો. એક મહિના પહેલાં એક પાટીના ૯થી ૧૨,૦૦૦ હતા એનો ભાવ હવે સીધો બેથી ૬૦૦૦ રૂપિયા થઈ ગયો છે. માર્કેટમાં સારી અને મોટા ફળવાળી કેરીના ચાર ડઝનની એક પાટીનો ભાવ ૬૦૦૦ રૂપિયા છે અને નાના ફળવાળી કેરીના ૮ ડઝનના ભાવ ૨૦૦૦ રૂપિયા છે એવું એપીએમસી ફળ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

કોરોનાને કારણે કેરીના એક્સપોર્ટનો બિઝનેસ ચિંતાજનક સિગ્નલ આપી રહ્યો છે. આ વિશે પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વર્ષે કેરીનો પહેલો પાક ઊતરે કે એનો ૪૦ ટકા માલ ખાસ કરીને યુરોપ અને ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ થતો હતો. અન્ય કન્ટ્રીમાં પણ એનો માલ જતો હતો. જોકે આ વર્ષે ગલ્ફ અને યુરોપ તેમ જ અન્ય કન્ટ્રીમાં કેરીનો માલ સાવ નહીંવત્ પ્રમાણમાં ૨૦ ટકાથી પણ ઓછો ગયો હતો. ફળમાં કોરોનાનો ચેપ લાગી શકે છે એવા ભયથી વિદેશી વેપારીઓએ વેપાર કરવાનું ટાળ્યું છે.

 સામાન્ય રીતે ઍરથી માલ જતો હોય છે. ગલ્ફમાં કેરી વધુ પ્રમાણમાં જતી હોય છે, પણ કુવૈત અને કતાર ઍર કંપનીઓએ મોટા ભાગની ફ્લાઇટ રદ કરી દીધી હોવાથી ઍર એક્સપોર્ટને ખાસ્સી અસર થઈ છે.

mumbai mumbai news apmc market coronavirus