સરકારે પેરન્ટ્સ-ટીચર્સની દિવાળી બગાડી, 5 દિવસની રજા જાહેર થતા નારાજગી

06 November, 2020 09:20 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સરકારે પેરન્ટ્સ-ટીચર્સની દિવાળી બગાડી, 5 દિવસની રજા જાહેર થતા નારાજગી

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા અનેક દિવસોથી ઉત્સાહી થઈને રાહ જોઈ રહેલા શિક્ષક, પેરન્ટ્સ, વિદ્યાર્થી વર્ગમાં મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ મંડળે જાહેર કરેલા દિવાળી વેકેશન બાદ નારાજગી જોવા મળી રહી છે. દર વર્ષે ૨૦ દિવસનું દિવાળી વેકેશન અપાતું હોય છે, પરંતુ આ વખતે ફક્ત પાંચ જ દિવસ વેકેશન આપવાની ગઈ કાલે જાહેરાત થતાં આ નિર્ણય અયોગ્ય હોવાનું શિક્ષક, પેરન્ટ્સ વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ હિન્દુત્વની વાત કરનાર રાજ્ય સરકાર હિન્દુ તહેવારોના જ મહત્ત્વને ન્યાય કરી શકી નથી. આ સરકારે દિવાળીની રજાઓ ઓછી કરીને ફક્ત પાંચ દિવસની જાહેરાત કરતાં અમને સૌને ખૂબ આઘાત લાગ્યો છે. એથી ફરી એક વાર શિક્ષણ સંગઠનોની માગણી છે કે દિવાળીની રજામાં ફેરબદલ કરીને એને ઓછામાં ઓછી ૧૫ દિવસની કરવામાં આવે.

આ નિર્ણય અયોગ્ય છે, એમ કહેતાં ટીચર્સ ડેમોક્રૅટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દર વર્ષે દિવાળીની ૨૦ દિવસની રજા અપાતી હોવાથી આ વખતે પણ એટલું જ વેકેશન અપાશે એવી અપેક્ષા હતી, પરંતુ ગઈ કાલે જાહેર થયેલા શાસન નિર્ણયના પરિપત્રક દ્વારા બધા જ નિરુત્સાહ થઈ ગયા છે. ગુજરાત જેવા રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા એક મહિના પહેલાં દિવાળીની ૨૦ દિવસની રજાનું પરિપત્રક જાહેર કર્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર સરકાર તેમ જ શિક્ષણ મંડળ દ્વારા કોઈ નિર્ણય માટે પદ્વતિસર નિયોજન જાહેર થતું નથી એ અક્ષમતા સાબિત કરે છે.’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘પરિપત્રકમાં જણાવ્યા પ્રમાણે કામકાજના દિવસોની જેમ જ શિક્ષકો પ્રામાણિકપણે ઑનલાઇન પદ્વતિથી વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છે. કામકાજના દિવસોમાં કોઈ ઘટાડો થયો નથી. દર વર્ષની જેમ જ કામ થતું હોવા છતાં દિવાળી, નાતાલ અને અન્ય તહેવારોની રજાને શિક્ષણ વિભાગ દ્વારા અપાઈ રહી નથી. રજાઓના દિવસોમાં પણ અન્ય પ્રવૃત્તિઓમાં શિક્ષકો જોડાતા હોય છે. આ વર્ષે તો ઘરેથી અપાતું શિક્ષણ ટીચર્સો માટે ઘણું કષ્ટદાયક થઈ રહ્યું છે. માનસિક અસ્વસ્થતા અનુભવતા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના પેરન્ટ્સને દિવાળી પર સામૂહિકરૂપે ઉત્સવનો આનંદ લેવાનો અવસર મળ્યો હતો, પરંતુ એની સામે સરકારે વિઘ્ન નિર્માણ કર્યું છે. છેલ્લા એક મહિનાથી વિવિધ સંગઠનો દ્વારા દિવાળીની રજાઓ જાહેર કરવાની માગણી મૂકવા છતાં સરકારે ફક્ત પાંચ દિવસનું વેકેશન જાહેર કરતાં લોકોની છેતરામણી કરી છે.’

mumbai mumbai news coronavirus covid19 diwali