મુંબઈ: સબ કુછ જલ ગયા

07 October, 2020 07:26 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ: સબ કુછ જલ ગયા

અબ્દુલ રહેમાન સ્ટ્રીટ

દક્ષિણ મુંબઈમાં અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પાસે આવેલી જંજીકર સ્ટ્રીટ અને સુતાર ચાલ વચ્ચે આવેલી કટલરી અને ઇમિટેશન જવેલરી માર્કેટમાં રવિવારે સાંજે લાગેલી આગ ગઈ કાલે મંગળવારે રાતે પણ ચાલુ જ હતી. વર્ષોથી દુકાન લઈને બેસેલા વેપારીઓની જિંદગીભરની કમાણી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં તો લેવાઈ હતી, પણ એમ છતાં કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. જંજીકર સ્ટ્રીટ અને સુતાર ચાલ બન્ને એકમેકના સમાંતર ગલીઓ છે અને એની વચ્ચે ક્રૉસમાં આવેલી ૩ સાંકડી ગલીઓમાં અંદાજે ૩૦૦ જેટલી દુકાનો હતી જેમાંની મોટા ભાગની ૨૦૦ જેટલી દુકાનો બળી ગઈ હોવાનું કહેવાય છે.

ફાયરબ્રિગેડને વિનંતી કરતાં આગળના ભાગમાં જે થોડો ઘણો માલ બચ્યો હતો એ કાઢવા દીધો હતો, પણ અંદર ઊંડે સુધી તો જવાય એમ જ નહોતું, કારણ કે મકાનોની વચ્ચે આવેલી એ ગલીઓમાં વચ્ચે ચોગાન છે ત્યાં મકાનનો ભાગ તૂટી પડ્યો હતો, કારણ કે જૂના જમાનાના અને મકાનોમાં દાદરા પણ લાકડાના અને બીમ પણ લાકડાના હતા જે આગને કારણે નબળા પડતા તૂટી પડ્યા હતા.

આસારામ સોલંકી
છેલ્લાં ૨૫ વર્ષથી ત્યાં કટલરીની દુકાન ધરાવતા આસારામ સોલંકીએ કહ્યું હતું કે  ‘આગમાં મારો લાખોનો માલ બળી ગયો. સબકુછ જલ ગયા. હું નજીકની ચંદન સ્ટ્રીટમાં જ રહું છું. રવિવારે સાંજે ૪ વાગ્યે આગ લાગી અને અને અમે દોડ્યા, પણ કંઈ થઈ શકે એમ નહોતું. કહેવાય છે કે ઇલેક્ટ્રિક શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોકે આગ ૮ વાગે અંકુશમાં આવી ગઈ હતી, પણ ફરી પાછી આગ ભભૂકી હતી. ઉપર મકાનમાં પાંચથી ૬ ઘર હતાં, જેમાંનાં ૩ ગૅસ સિલિન્ડર ફાટતાં આગ ફરી ભભૂકી હતી. જોકે આગ લાગતાં જ લોકો નીચે દોડી આવ્યા હતા એથી જાનહાનિ નહોતી થઈ, પણ બહુ જ નુકસાન થયું છે.

સત્રા રામ
રાજસ્થાનના વેપારી સત્રા રામે કહ્યું કે ‘અહીં ઘણા રાજસ્થાની ભાઈઓની દુકાન હતી. ભાડેથી દુકાન ચલાવતા હતા. મારી દુકાન અને ગોડાઉન બધું બળીને ખાખ થઈ ગયું. અંદાજે ૪૦ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જે વેપારીનો માલ આગમાં નથી બળ્યો તેમનો માલ પાણીમાં ભીંજાઈને ખરાબ થઈ ગયો અને ભારે નુકસાન થયું છે.

લાઇટ નથી, પાણી નથી
આગને કારણે આ વિસ્તારમાં વીજળીની સપ્લાય કાપી નખાઈ છે. આને કારણે આજુબાજુનાં મકાનોમાં પાણીના પમ્પ પણ બંધ છે અને પાણી ઉપર ચડતું ન હોવાથી તેમને પાણી નથી મળી રહ્યું. વીજપુરવઠો ક્યારે આવશે એ કહી શકાય નહીં.

mumbai mumbai news south mumbai